'ખાખી' મેળવવાનો સંકલ્પ:નવસારીમાં સુવિધાને અભાવે LRD ઉમેદવારો ખાડા-ટેકરાવાળા મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરવા મજબૂર, રજૂઆત છતાં પાલિકાના આંખ આડા કાન

નવસારી7 દિવસ પહેલાલેખક: હિતેષ સોનવણે
  • LRD ભરતી માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે
  • DYSP, PI, PSIની તૈયારી કરતા યુવાઓ પણ કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે

હાલમાં GPSCની પરીક્ષાની જાહેરાત થઇ છે, જે પૈકી LRDનાં ફોર્મ ભરાયા બાદ હવે 3 ડિસેમ્બરથી તેની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. એને લઇને યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની હોડ જામી છે. હાલમાં નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો અનેક શિક્ષિત યુવાનો LRDની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જેમાં તેઓ સમાજમાં દરેક સારા પ્રસંગો અને તહેવારોને કિનારે મૂકી રોજના 6થી 7 કલાકનું વાંચન કરી રહ્યા છે.

ઉમેદવારોને સરકારી નોકરીમાં સારું ભવિષ્ય દેખાયું!
સરકારી નોકરીમાં સારા અને સુરક્ષિત ભવિષ્યની આશમાં યુવાનો એ તરફ નજર દોડાવી રહ્યા છે, પરંતુ સાડાનવ લાખ ઉમેદવારોમાંથી આ પરીક્ષામાં પાસ થવું એ લોઢાના ચણા ચાવવા બરાબર કઠિન છે. પરીક્ષામાં પુછાતા પ્રશ્નોનોનો સ્તર પણ વધ્યો છે, જેને લઇને GPSCની પરીક્ષા આપતા યુવાઓ બેથી અઢી વર્ષની સખત મહેનત થકી પરીક્ષા આપતા હોય છે. નવસારીની લાઇબ્રેરીઓ GPSCની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોથી ઊભરાઈ રહી છે. તમામ શાંતિવાળી જગ્યાઓ પર વિદ્યાર્થીઓ મન લગાવીને સિલેબસ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નવસારીમાં મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરતા ઉમેદવારો
નવસારીમાં મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરતા ઉમેદવારો

શારિરીક કસોટી માટે સારા મેદાનનો અભાવ
વાત કરીએ ફિઝિકલ ટેસ્ટની... તો નવસારીમાં કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જરૂરી ફિઝિકલ ટ્રેનિંગ માટે કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી. એકમાત્ર લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે, પણ ત્યાં પણ ખાડા-ટેકરા હોવાને કારણે ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે વહીવટીતંત્રને જાણ પણ કરવામાં આવી છે છતાં રનિંગ ટ્રેક ઉપલબ્ધ કરાવી શક્યા નથી. પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં આ વિદ્યાર્થીઓ સુવિધાના અભાવ સામે પણ મક્કમ મનોબળ સાથે સવાર-સાંજ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

DYSP, PI, PSIની તૈયારી કરતા ઉમેદવારો કોન્સ્ટેબલનું પેપર આપશે
અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે, જેઓ DYSP, PI, PSIની તૈયારી કરે છે, તેઓ પણ કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે અને એનું કારણ છે ઊંચું જતું મેરિટ લિસ્ટ. હાલમાં બેરોજગારીનો સ્તર રાજ્યમાં વધતા એકમાત્ર સરકારી નોકરી મેળવવા માટે વિદ્યાર્થીઓ કોઈપણ ભોગ આપીને ઊંચી પોસ્ટ માટેની તૈયારી કરતા હોવા છતાં પણ કોન્સ્ટેબલનું પેપર આપી રહ્યા છે.

મેદાનમાં ખાડાના કારણે દોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે
મેદાનમાં ખાડાના કારણે દોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે

મેદાનમાં ખાડાના કારણે દોડવામાં મુશ્કેલી
GPSCની તૈયારી કરી રહેલી ખ્યાતિ વિજયગરના જણાવ્યા મુજબ, અમે લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારી કરી રહ્યાં છીએ, જેમાં અમને આ ગ્રાઉન્ડમાં દોડવા માટે મુશ્કેલી આવી રહી છે, કારણ કે ગ્રાઉન્ડમાં ખાડા-ટેકરા હોવાથી દોડવામાં મુશ્કેલી આવે છે, જેથી અમે આ મામલે પાલિકાને જાણ કરી છે છતાં પણ અમને રનિંગ ટ્રેક બનાવી આપવામાં આવ્યો નથી. જો અમે પાસ થઈશું અને અધિકારી બનીશું તો તેમાં નવસારીનું નામ રોશન થશે અને અમારું સપનું પૂર્ણ થશે.

પોલીસ પરિવારમાંથી આવતા યુવકની પણ ખાખી વર્દી મેળવવાનો સંકલ્પ
આશિષ બોરસ છેલ્લાં પાંચ વર્ષથી GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, તેણે અનેક પરીક્ષાઓ આપી છે, સાથે તેના પરિવારમાં તેનાં પિતા, ભાઈ અને બહેન તમામ પોલીસ વિભાગમાં નોકરી કરી રહ્યાં છે. ત્યારે તેનું પણ એક સપનું છે કે તે પણ શરીર પર ખાખી વર્દી ધારણ કરે. તેના જણાવ્યા મુજબ તેણે સામાજિક લગ્નપ્રસંગ અને તમામ તહેવારો જોયા વગર સતત અભ્યાસક્રમ ચાલુ રાખ્યો છે. રોજનું છથી સાત કલાક વાંચવું જરૂરી છે, જેથી આ વખતે તે ખાખી વર્દી લઈને જ રહેશે એવો સંકલ્પ કર્યો છે.