નગરસેવક ધરણા કરશે:નવસારીના વોર્ડ નંબર 13માં આવેલા વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન, નગરસેવકની ધરણાં કરવાની ચિમકી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા જેમની તેમ
  • નગરસેવકે પાલિકાએ જઈને ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી

નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા વિસ્તારમાં છેલ્લાં અનેક સમયથી વહેતાં ગટરના પાણીને કારણે સ્થાનિકોનું રહેવું દુષ્કર થઇ પડ્યું છે. આ સમગ્ર મામલે ઉકેલ ન આવે તો નગરસેવકે જાતે પાલિકાએ જઈને ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

નવસારી વિજલપોર નગરપાલિકાના એવા અનેક વિસ્તારો છે જ્યાં વર્ષોથી સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. તેમજ લોકો વહેતાં ગટરના પાણી અને મુશ્કેલી સાથે જીવવા મજબૂર બન્યા છે. પરંતુ હાલના શાસકોને સ્થાનિકોની મુશ્કેલીની કોઈ પરવા ન હોય તેમ તેઓ વર્તી રહ્યા છે.

વોર્ડ નંબર 13 માં આવેલા રામજી ખત્રીની નાળ વિસ્તારમાં છેલ્લા અનેક સમયથી રહેણાંક વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. આ સમગ્ર મામલે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાના પેટનું પાણી હાલતું નથી. તેમજ સ્થાનિક નગરસેવકનું પણ પાલિકા તંત્ર સાંભળતું ન હોય તેમ નગર સેવકની રજૂઆત પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે. જેથી આ સમગ્ર મામલે આજે નગરસેવક વિજય રાઠોડને સ્થળ પર સ્થાનિકોએ બોલાવીને મુશ્કેલી અંગે વાકેફ કર્યા હતા.

ત્યારે નગરસેવક વિજય રાઠોડે આ મુશ્કેલી હલ ન થાય તો પાલિકાએ જઈને ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ નગરસેવકને સુવિધા મેળવવા માટે આંદોલન કરવું પડે તો તેથી વધુ ખરાબ સ્થિતિ ભાજપના શાસકો માટે શું હોઈ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...