આઈસોલેશન સેન્ટરનો વિરોધ:નવસારીના ગારડા ચાલમાં ઉભા કરાયેલા આઈસોલેશન સેન્ટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારા ઘર નાના છે કોઈને કોરોના થયો તો ક્યાં જઈશું: સ્થાનિકો
  • જિલ્લામાં 273 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે

નવસારીમાં વહીવટીતંત્રએ વધતા કોરોના કેસ સામે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે. તેવામાં પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિકોએ આઈસોલેશન સેન્ટરનો વિરોધ કરીને કામગીરી ખોરંભે ચડાવી હતી.

નવસારી જિલ્લામાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સંભવિત ખતરા સામે લડવા માટે વહીવટી તંત્ર અલર્ટની સાથે સજ્જ બન્યું છે. જિલ્લામાં 273 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. પાલિકા હદ વિસ્તારમાં પણ 13 વોર્ડમાં 13 સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગારડા ચાલ વિસ્તારની મરાઠી શાળામાં પાલિકા તંત્રે આઈસોલેશન સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે.

સ્થાનિકોએ એમ કહીને વિરોધ કર્યો હતો કે, આ વિસ્તારમાં સેન્ટરને કારણે કોરોના સંક્રમણ ફેલાયો તો તેની જવાબદારી કોની. વધુમાં સ્થાનિકોએ કહ્યુ કે, અમારા ઘર નાના છે જો કોઈને કોરોના થયો તો અમે ક્યા જઈશું. જોકે, આ વિસ્તારમાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ આ વિસ્તારમાં ઈદનો ચાંદ બન્યા હોય તેવી રાવ ઉઠી છે.

વહીવટીતંત્રએ આઈસોલેશન સેન્ટરની સુવિધા ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે જ કરી છે. જે લોકોના ઘરે આઈસોલેટ થવાની સુવિધા ન હોય તેવા લોકો માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ આ મામલે સમજદારી દાખવીને તંત્રને સાથ સહકાર આપે તે જરૂરી બન્યું છે. જોકે, આ મામલે હજુ સુધી સ્થાનિકોનું તંત્ર સાથે સમાધાન ન થતાં તેઓએ વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...