ભૂતિયા જોડાણ:નવસારીના રાધે પાર્ક સોસાયટી પાસે ગટરમાં ડ્રેનેજનું જોડાણ થતાં સ્થાનિકોએ રસ્તાની કામગીરી અટકાવી

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી ગટર લાઇનમાં સીધું ડ્રેનેજનું જોડાણ કરતાં શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પુર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
  • ગંદા પાણી અને દુર્ગંધ મારતા વાતાવરણમાં રહેવા સ્થાનિકો મજબૂર

નવસારીના પશ્ચિમ વિસ્તાર આવેલા રાધે પાર્ક સોસાયટીમાં ડ્રેનેજ લાઈન વગર રસ્તો બનાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરી રસ્તાનું કામ અટકાવ્યુ હતું. શહેરમાં સામાન્ય વરસાદે રહેણાંક મકાનોમાં પાણી ભરાઇ જવાની ઘટના આમ વાત બની છે ત્યારે આ સમગ્ર મુસીબતનું જડ છે વરસાદી ગટરમા ડ્રેનેજનું જોડાણ.

વરસાદી પાણીની લાઈનમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી રહેણાંક મકાનોમાં ન જઈને સીધું તે લાઈન વાટે બહાર મોકલવાની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી કેટલાક અસામાજિક તત્ત્વોએ આ વરસાદી ગટર લાઇનમાં સીધું ડ્રેનેજનું જોડાણ કરતાં શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પુર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે છેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક નવા કન્સ્ટ્રકશન થતા 400 નવા મકાન બન્યા છે. જેમાં ગટરલાઇનની સગવડ અંગે કોઈ નક્કર કામગીરી થઇ શકી નથી, ત્યારે કેટલાક ડેવલોપર દ્વારા વરસાદી ગટરની લાઇનમાં ડ્રેનેજ લાઈનનું જોડાણ કરતાં હોવાની હકીકત બહાર આવી છે.

આ વિસ્તારમાં નવનિર્માણનું કામ પૂર્ણ થયું છે ત્યારે પાલિકાએ રસ્તો બનાવવાની કામગીરી કરતાં સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કરીને તેને અટકાવી હતી અને સૌ પ્રથમ ડ્રેનેજ લાઇનની સુવિધા આપવાની માંગ કરી હતી.

શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ગટર લાઈનમાં ડ્રેનેજનું સીધું જોડાણ ગેરકાયદેસર થયું હોય એવા અનેક વિસ્તારો છે ત્યારે આ સમગ્ર મામલે પાલિકાએ પણ એલર્ટ બનીને આવા ગેરકાયદેસર જોડાણ કરનારા ડેવલોપર સામે સખત પગલાં લેવાની જરૂર છે. હાલમાં રાધે પાર્ક સોસાયટીમાં રસ્તો બનાવવાની કામગીરી અટકી છે, પરંતુ આવા ભૂતિયા કનેક્શન ધરાવતા ડેવલપર સામે પણ લાલ આંખ થાય તે જરૂરી બન્યું છે.

રાધે પાર્ક સોસાયટીમાંથી વરસાદી લાઈનમાંથી નીકળતું ગટરનું પાણી સીધું જલાલપુર જાય છે ત્યાં રહેણાંક વિસ્તારમાં દુર્ગંધ અને રોગચાળાને નિમંત્રણ આપતું આ પાણી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગંદા પાણી અને દુર્ગંધ મારતા વાતાવરણમાં રહેવા મજબૂર બનેલા સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકાને જાણ કરી છે છતાં પણ આ મામલે કોઈ સુખદ ઉકેલ ન આવતા આગામી સમયમાં આ વિસ્તારના સ્થાનિકો આ મામલે ઉગ્ર આંદોલન કરે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...