ગુજરાત રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો 218 કિલોમીટરનો નવો કોરિડોર માર્ગ અંદાજે 1,670 કરોડનાં ખર્ચે વિકસાવાશે તેમજ સાપુતારા માર્ગનો નવો કોરીડોર તૈયાર કરવાની જાહેરાત કરાતા પ્રવાસીઓ સહિત ડાંગવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યનાં પ્રવાસન ધામોનાં વિકાસને વેગ મળે તે માટે બુધવારે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.
જે નિર્ણયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો 218 કિ.મી.નો નવો કોરિડોર અંદાજે 1,670 કરોડના ખર્ચે વિકસાવાશે, જ્યારે સાપુતારા, માંડવી, કરજણનો નવો કોરિડોર તૈયાર કરાશે. બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતુ કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે વિકાસયાત્રાને અટકવા દીધી નથી.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ હતુ કે ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે 1,670 કરોડના ખર્ચે અંદાજિત 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હયાત રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે, જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે. જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે,મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું નહીં પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત 300 કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરિડોર નિર્માણ કરવામાં આવશે.
જેનો લાભ દક્ષિણ ગુજરાતની તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતાં વાહનો કે અત્યારે નેશનલ હાઇવે પર વાયા સુરત-ચીખલી જવાને બદલે આ રસ્તાનો ઉપયોગ કરીને ઝડપથી પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકાશે. જેથી સાપુતારા પ્રવાસન સ્થળનો પણ લોકો લાભ લઈ શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.