અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને રાજયપાલ આચાર્ય દેવવ્રતે ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા દેશ-વિદેશના મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદઘાટન કરતાં રાજ્યપાલે આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃતિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલે ઉમેર્યુ હતુ. રાજ્યપાલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની નિયુક્તિ દેશના આદિવાસી સમાજનું ગૌરવ છે તેમ કહ્યું હતું. ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભિક્તની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિવાસી પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે.
તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક જિલ્લાનું સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડાંગ જિલ્લાના લોકો અને વિશેષ કરીને અહીનાં ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરતાં રાજ્યપાલે આધુનિકતાની આંધળી દોટથી અળગા રહીને ડાંગના લોકોએ જંગલનું જતન-સંવર્ધન કર્યું છે તેમ જણાવ્યું હતું.
દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું ગૌરવ અપાવતા વડાપ્રધાને પ્રથમ વર્ષે જ 32 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી તેમ ઉમેર્યું હતું.‘મિલેટ વર્ષ'નો ઉલ્લેખ કરી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી સાથે વિસરાતા ધનધાન્યનું જતન કરવાનું પણ આહવાન કર્યું હતું.
મહાનુભાવોએ શું કહ્યું
રાજવીઓનું સન્માન
ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલના હસ્તે ડાંગના માજી રાજવીઓનું સન્માન કરાયું હતું. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીનેરાજ્યપાલે તેમનું અદકેરૂ સન્માન કર્યુ હતું. પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલને ધનુષ-બાણ અર્પણ કરી અને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
રાજવીઓને પોલિટિકલ પેન્શન સહિત પરંપરાગત પાન સોપારી, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે,આહવાને આંગણે પધારેલા પ્રાકૃતિક ડાંગના શિલ્પી એવા રાજ્યપાલનું જિલ્લા પ્રશાસનવતી કલેકટર ડો.વિપિન ગર્ગે સ્મૃતિચિન્હ-બળદ-ગાડુ ં અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
રાજવીઓની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું
ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદનથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી. શણગારેલી બગીઓમાં નીકળેલી રાજવીઓની સવારી દરમિયાનતેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યું હતું.
5 રાજવી, 9 નાયકો 443 ભાઉબંધોને 72.39 લાખથી વધુનું સાલિયાણું
ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીઓ કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ)ને વાર્ષિક રૂ.2,32,650, છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ)ને વાર્ષિક રૂ. 1,75666, ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ)ને રૂ.1,47,553, તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ)ને રૂ. 1,58,386 તથા ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ)ને રૂ. 1,91,246 સહિત નવ નાયકો અને 443 ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ. 63,34,073 મળી કુલ રૂ. 72,39, 574નું પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.