કેન્દ્ર સરકારના બજેટમાં થયેલ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટની જાહેરાતને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના કુલ 1500 ગામોને થનાર અસરને જોતા ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આગેવાનોએ વિરોધ નોંધાવવા ડાંગ જિલ્લામાં સભા ગજવી હતી, આ સભામાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા પણ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામન દ્વારા રાજ્યના નર્મદા ડેમ કરતા પણ મોટો પ્રોજેકટ એવો તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થયા બાદ આ પ્રોજેક્ટમાં અસરમાં આવતા આદિવાસી જિલ્લાઓમાં "ડેમ હટાવો જંગલ બચાવો" જેવા સૂત્રો સાથે આદિવાસીના અસ્તિત્વની લડાઈ ચાલુ થઈ ગઈ છે. આ લડત અંતર્ગત આજે બુધવારના રોજ ડાંગ જિલ્લાના રંભાસ ગામે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
બિનરાજકીય જાહેરસભાના આયોજનમાં આદિવાસી સમાજના આગેવાન તરીકે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય અનંત પટેલ, ધારસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામીત, ડાંગ વલસાડના પૂર્વ સાંસદ કિસન પટેલ સહિત ભરૂચ જિલ્લામાંથી આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા. જેમણે ડેમને કારણે થનાર સમસ્યાની વાત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
એક સર્વે મુજબ તાપી પાર નર્મદા લિંક પ્રોજેકટમાં દક્ષિણ ગુજરાતમાં કુલ 9 જેટલા મોટા ડેમ બનવાના છે. જેમાં કુલ 1500 જેટલા ગામોમાં રહેતા લાખો પરિવારોને વિસ્થાપિત થવું પડશે, જો કે આ અંગે રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ ખુલાસો થયો નથી. ત્યારે રાજ્ય સરકાર વહેલી તકે જાહેરાત કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.