વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ:મોબાઈલ ટાવર પર ચઢીને કંપનીના ટેક્નિશયન જ કોપર વાયરની ચોરી કરતા, માલ વેચવા ચીખલી જતા LCBનાં હાથે 2 ઝડપાયા; 1 વોન્ટેડ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં jio ટેલિકોમ કંપનીમાં કામ કરતા 3 ટેકનિશિયન ટાવર ઉપર ચઢીને કોપર વાયર કાઢી નાખતા હતા અને તેને ચીખલીમાં વેચી રૂપિયા કમાવાનો ધંધો શરૂ કર્યો હતો જેમાં એલસીબીએ બે આરોપીની ધરપકડ કરીને જિલ્લાના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનોના ગુના ઉકેલ્યા છે.

Jio કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતો રમેશ લાડ અને એક વર્ષથી કામ કરતો કલ્પેશ પટેલ ટેકનિશિયનનું કામ કરે છે જેઓ મેન્ટેનન્સના કામ કરવા માટે ગણદેવી ચીખલી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા jio ટાવર ઉપર ચડીને કીંમતી કોપર વાયરની ચોરી કરીને ચીખલીમાં જ વેચતા હતા. વાંઝણા, સાદડવેલ,ફડવેલ, રાનકુવા, ટાંકલ, ખારેલ ખડસૂપા, દેગામ,બામણવેલ,ખૂંધ અને સમરોલી આ વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવી છે. આ ચોરી લાંબા સમયથી થતા પોલીસ ચોપડે ગુનાઓ વધી રહ્યા હતા જેને પગલે LCB એ ચોરીનો માલ વેચવા જતા બે આરોપીની ધરપકડ કરી સમગ્ર કેસને ઉકેલ્યો છે.

શું હતી ચોરીની મોડસ ઓપરેન્ડી?
કોપર ધાતુ કિંમતી ગણવામાં આવે છે જેના બજારમાં સારા એવા રૂપિયા પણ મળે છે. જેથી રમેશ લાડ અને કલ્પેશ પટેલએ આ વાતનો ફાયદો ઉઠાવી રવિવારની રજામાં કંપનીના ટાવર ઉપર ચઢીને લાગેલા વાયરો કાઢીને ચીખલી ખાતે એક વેપારીને એમ કહીને વેચતા હતા કે અમારી પાસે આ વાયર વેચવાનો પરવાનો છે અને કંપનીએ જ આ કામ અમને સોંપ્યું છે. અલગ અલગ ટાવર ઉપરથી ચોરી થયેલા વાયરોનું સમારકામ કંપની દ્વારા થતું હતું. પણ આ ચોરી કોણ કરે છે તે અંગે મુંઝવણ હતી. જેથી ત્રણ જેટલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ચોરીની ફરિયાદ પણ થઈ હતી.

LCBએ રંગે હાથ ઝડપ્યા
Swift કારમાં બે ચોર ટેકનિશિયન રાજેશભાઈ રમણભાઈ લાડ અને કલ્પેશ કનુભાઈ પટેલની ધરપકડ કરવા સાથે અન્ય એક આરોપી ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. આ માલને વેચવા જતા હતા તે દરમિયાન એલસીબીને બાતમી મળતા ચીખલી વિસ્તારમાંથી 1,24,961 ના કોપર તાર સાથે કાર મળીને કુલ 4,34,961નો મુદ્દામાલ ઝડપાયો છે. હાલ એલસીબી પાસેથી ચીખલી પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...