વાજપાઇ શોપિંગ સેન્ટરનો વિવાદ વકર્યો:નવસારી નગરસેવિકાની સીઓ, મુખ્ય ઇજનેર અને ભાડૂતો સામે જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્કિંગની જગ્યામાં શેડ ઉભા કરાયાની રાવ, પ્રથમવાર સરકારી કચેરી ઉપર આ પ્રકારની ફરિયાદ

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં આવેલા વાજપાઇ શોપિંગ સેન્ટરના ભાડૂઆતોએ પાલિકાની કરારવાળી જગ્યાની ઉપર વધુ જગ્યાનું ગેરકાયદે દબાણ કરી દીધુ હતું. આ બાબતે વોર્ડ નંબર-13ના નગરસેવિકાએ 9થી વધુ વાર અરજી આપી હોવા છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી માત્ર નોટીસ આપી હોય ભાડૂઆતોએ દબાણ ખસેડ્યું ન હતું. જેને લઈ નગરસેવિકાએ આખરે પાલિકા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપી હતી.

નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકા વિરુદ્ધ જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપી હોવાની ઘટના નોંધાઈ છે. નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13ના નગરસેવિકા પ્રીતિ ધર્મેશ અમીને શનિવારે કલેકટર કચેરીમાં ચીફ ઓફિસર જગુભાઈ વસાવા, મુખ્ય ઈજનેર વિનયભાઈ સહિત વાજપાઈ શોપિંગ સેન્ટરના તમામ ધારકો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020ની કલમ અને આઇપીસી એક્ટ 406, 420 હેઠળ ફરિયાદ આપી હતી.

ફરિયાદમાં જણાવ્યું છે કે, લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલ પારસી હોસ્પિટલની સામે વાજપાઇ શોપિંગ સેન્ટર પાલિકા દ્વારા ભાડે પેટે જે તે દુકાનદારોને ફાળવાઇ છે. શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો દ્વારા દુકાનની પાછળ આવેલા પાર્કિંગની જગ્યામાં રસોડા ઉભા કરી દબાણ કરવામાં આવેલ છે. ઉપરાંત દુકાનના આગળના ભાગે પાર્કિંગની જગ્યામાં પતરાના શેડ તેમજ મંડપો ઉભા કરી ગ્રાહકો માટે ટેબલ-ખુરશી પાથરી જમાડવામાં આવે છે.

વાજપાઇ શોપિંગ સેન્ટરના ભાડૂઆતોએ ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવેલા છે. ગ્રાહકો પણ પોતાના વાહનો આધેધડ પાર્કિંગ કરે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. કેટલીકવાર ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સને પણ જોઈએ તેટલી જગ્યા નહીં આપતા કોઈવાર અફરાતફરીનો માહોલ ઉભો થાય છે. જોકે, આ ઉપરાંત પણ શહેરમાં અન્ય દબાણો સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.

નવસારી-વિજલપોર પાલિકા વિરુદ્ધ પ્રથમ બનાવ
આમ તો સરકારી જગ્યા ઉપર દબાણ કર્યું હોય તેના વિરુદ્ધ પગલાં લેવા માટે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવે છે પણ ગુજરાતમાં પ્રથમવાર નગરપાલિકા જેવી સરકારી કચેરી ઉપર જ લેન્ડ ગ્રેબિંગનો કેસ થયાનો પ્રથમ બનાવ હશે, જે નવસારી-વિજલપોરની નગરસેવિકા દ્વારા કરાયો છે.

9 વાર ફરિયાદ કરી હતી, અંતે લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો
વોર્ડ નંબર-13ના નગરસેવિકાએ ચીફ ઓફિસરને સુધરાઈ સભ્ય અને જાગૃત નાગરિક તરીકે દબાણ દૂર કરવા માટે 25 /10/21, 23/11/2021, 27/12/21, 21/1/22, 8/2/22 તેમજ કલેકટરને 7મી ફેબ્રુઆરી 22 તેમજ મુખ્ય ઈજનેર નવસારી વિજલપોર પાલિકાને 8મી ફેબ્રુઆરી 2022 અને ચીફ ઓફિસરને પણ 15મી ફેબ્રુઆરી 22ના રોજ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેને લઈ અધિક કલેકટર પ્રાદેશિક કમિશ્નર પાલિકાની સાઉથ ઝોન સુરત દ્વારા ચીફ ઓફિસરને 28 અને 29મી માર્ચ 2022ના પત્રથી નગરપાલિકાની જમીન ઉપર ગેરકાયદે દબાણ દૂર કરવા નોટીસ અને 27મી એપ્રિલ 22થી દબાણ સંદર્ભે યોગ્ય કરવા નોટિસ આપી પણ કોઈ કાર્યવાહી નહીં થતા આખરે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો હતો. > પ્રિતીબેન અમીન, ફરિયાદ કરનાર નગરસેવિકા

​​​​​​​ફરિયાદ અંગે હજુ સુધી અમને કોઇ જાણ નથી
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાબતે અમને ખબર નથી. કલેકટર કચેરીમાં આ ફરિયાદ થઇ હશે તો તપાસ મુજબ અમે અમારા જવાબો રજૂ કરીશું. > જે.યુ.વસાવા, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...