ભાસ્કર એનાલિસિસ:સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવે સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી પાછળ, દેશના 4320 શહેરમાં 600મો નંબર

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા સર્વેક્ષણ કસોટીમાં નવસારી શહેરને પાસિંગ માર્ક - Divya Bhaskar
સ્વચ્છતા સર્વેક્ષણ કસોટીમાં નવસારી શહેરને પાસિંગ માર્ક
  • કુલ 6000માંથી 2958 માર્ક, સફાઈની સ્થિતિ વધુ ખરાબ નહીં પણ સર્ટીફિકેશન વિભાગમાં 1800માંથી માત્ર 300 જ માર્ક

સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં નવસારી શહેરે દેશના 4320 શહેરોમાં 600મો નંબર મેળવ્યો છે. 11 વર્ષ અગાઉ મંજૂર થયેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બનતા નવસારીનો નંબર પાછળ જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર 5 વર્ષથી દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરી રહ્યું છે. જેમાં અહીંની નવસારી પાલિકા પણ ભાગ લે છે. આ સર્વેક્ષણના ધારાધોરણમાં સાધારણ ફેરફાર પણa થતો રહ્યો છે. છેલ્લું સર્વેક્ષણ 2021 થયું અને તેના પરિણામ પણ જાહેર થયા છે. આ સર્વેક્ષણમાં કુલ 6000 માર્ક હતા, જેમાં સર્વિસ લેવલ પ્રોગ્રેસના 2400, સિટીઝન વોઇસના 1800 અને સર્ટીફિકેશનના 1800 માર્ક હતા.

સ્વચ્છતા સર્વેક્ષણના પોર્ટલ ઉપર નવસારી-વિજલપોર પાલિકાના હાલના 13 વોર્ડ તો દર્શાવાયા છે પણ ભૂલથી વસતી અગાઉની નવસારી પાલિકાની જ 1.60 લાખ દર્શવાઇ છે.
સ્વચ્છતા સર્વેક્ષણના પોર્ટલ ઉપર નવસારી-વિજલપોર પાલિકાના હાલના 13 વોર્ડ તો દર્શાવાયા છે પણ ભૂલથી વસતી અગાઉની નવસારી પાલિકાની જ 1.60 લાખ દર્શવાઇ છે.

આમ તો અન્ય 2 કેટેગરીમાં તો નવસારીનો દેખાવ પ્રમાણમાં ખરાબ ન હતો પણ સર્ટીફિકેશનમાં ખૂબ જ નબળો હતો. કુલ 1800માંથી માત્ર 300 જ માર્ક મળ્યા, કારણકે શહેરમાં 11 વર્ષ અગાઉ મંજૂર કરેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો નથી..જેને લઈને ગંદા પાણીને શુદ્ધ કરાતું નથી અને આ શુદ્ધ કરેલ પાણીનો રિયુઝ પણ કરાતું નથી.

કુલ 6000 માર્કમાંથી 2958 માર્ક મેળવ્યા છે. સર્ટીફિકેશનમાં સુએઝ પ્લાન્ટ, બિલ્ડીંગ મટિરિયલનો નિકાલ વગેરેમાં નવસારીમાં સુધારો કરાય તો હજુ સ્થિતિ સુધરી શકે એમ છે. અહીં ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં નાના શહેરથી લઇ મેગા સિટી મળી કુલ 4320 શહેરો છે. જેમાં નવસારી શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં મેળવેલ ગુણાંક જોતા 600મો નંબર મેળવ્યાની જાણકારી મળી છે.

‘સિટીઝન વોઈસ’માં સ્થિતિ સારી
આ ગ્રુપમાં નવસારી આવેલી બે ટીમમાંથી એક સરકારી ટીમે લોકોનો ફીડબેક સ્વચ્છતા મુદ્દે લીધો હતો. આ ઉપરાંત લોકોનો ઓનલાઈન અભિપ્રાય, ઓનલાઈન ફરિયાદ પણ જોવામાં આવે છે. જેમાં કુલ 1800માંથી 1280 માર્ક મળ્યા છે, જે સ્થિતિ સારી કહેવાય.

‘સર્ટીફિકેશન’ ગ્રુપમાં સ્થિતિ ખૂબ ખરાબ
આ ગ્રુપમાં 1800 માર્કમાંથી માત્ર 300 માર્ક જ મળ્યાં છે, કારણ કે શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો ન હોઈ ગટરના ગંદા પાણીને ટ્રીટ કરાતું નથી અને આ ટ્રીટ કરી શુદ્ધ કરેલ પાણીનો ‘રિયુઝ’ પણ કરાતો નથી. બીજુ કે શહેરમાં બિલ્ડીંગ મટિરિયલ વગેરેના નિકાલની સ્થિતિ, ગ્રીનરીમાં પણ સ્થિતિ સારી નથી.

‘સર્વિસ લેવલ પ્રોગ્રેસ’માં સાધારણ સ્થિતિ
આ ગ્રુપમાં સૌથી વધુ 2400 માર્ક હતા. શહેરમાં રખાતી સ્વચ્છતા, ઘરે ઘરેથી ઉઘરાવાતો કચરો, ડોક્યુમેન્ટેશન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં 1377 માર્ક નવસારીને મળ્યા, જે સ્થિતિ સાધારણ કહીં શકાય.

રાજ્યમાં નવસારી 40, બીલીમોરા 71, ગણદેવી 119માં નંબરે ગુજરાત રાજ્યમાં કુલ 155 અ,બ,ક, અને ડ વર્ગની નગરપાલિકાઓ આવેલી છે. જેમાં નવસારીનો 2958 માર્ક સાથે 40મો નંબર આવ્યો છે. નવસારી જિલ્લાની જ અન્ય બે ‘નગરપાલિકાની સ્થિતિ જોઈએ તો ‘બ’ વર્ગના બીલીમોરા શહેરનો 2815 માર્ક સાથે 71મો નંબર અને ‘ડ’ વર્ગની ગણદેવી પાલિકાનો 2429 માર્ક સાથે 119મો નંબર આવ્યો છે.

2017મા નવસારી દેશમાં 25મા ક્રમે હતું
સ્વચ્છતા સર્વેક્ષણ-2017મા નવસારીએ પશ્ચિમ ભારતમાં નામ ગજવ્યું હતું. સમગ્ર દેશમાં 25મો નંબર મેળવ્યો હતો. જેમાં પશ્ચિમ ભારતની મહાપાલિકા સિવાયની નગરપાલિકાઓમાં તો ટોચનું સ્થાન મેળવ્યું હતું. જોકે 2017 બાદ સ્થિતિ બગડી છે. સ્વચ્છતા સર્વેક્ષણના ધારાધોરણમાં કરાયેલા ફેરફાર પણ કેટલેક અંશે જવાબદાર છે.

શહેરમાં ભળેલ 8 ગામોનું સર્વેક્ષણ પણ નડ્યું
આમ તો જૂની નવસારી પાલિકા હદ વિસ્તારની સ્વચ્છતાની સ્થિતિ સારી છે પણ પાલિકામાં ભળેલ 8 ગામોમાં હજુ નેટવર્ક સર્વેક્ષણ વેળા ગોઠવાયું ન હતું. જેને લઇને પણ માર્ક ઓછા મળ્યાની જાણકારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...