વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ ગઇકાલે આવી ગયું છે. જે આજ સુધી નથી થયું એ આ વખતની ચૂંટણીમાં થયું છે. ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડી 156 બેઠક પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી છે. આ 17 બેઠકમાં એક બેઠક હાલ ચર્ચામાં છે અને એ છે નવસારી જિલ્લાની વાંસદા બેઠક.. સી.આર પાટીલના ગઢની આ બેઠક કબજે કરવામાં ભાજપની રણનીતિ સફળ નિષ્ફળ નીવડી છે. આ બેઠકને સી.આર. પાટીલે દત્તલ દીધી હોવા છતાં કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અનંત પટેલે સતત બીજીવાર ડબલ માર્જિનથી જીત મેળવીને ભાજપના પીયૂષ પટેલને હરાવ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનંત પટેલે જણાવ્યું હતું કે સી.આર. પાટીલ જેવા દિગ્ગજ નેતાએ બેઠકને રાજકીય રીતે દત્તક લીધી હોવાની જાહેરાત જ મને જીત તરફ દોરી ગઈ. પાટીલે વાંસદા બેઠકને દત્તક લીધી અને અહીંની જનતાએ મને દત્તક લઈ લીધો.
અનંત પટેલે જીત મેળવી લીડ બમણી કરી
ગુજરાત રાજ્યમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતનાં અનેક કારણો પૈકી સી.આર.પાર્ટીલની સંગઠાત્મક રણનીતિ ગણવામાં આવી રહી છે, પરંતુ તેમના ગઢ એવા નવસારી જિલ્લાની 4 પૈકી એક વાંસદા બેઠકનું મહેણું ભાંગી શકી નથી. એક વર્ષ અગાઉ ભાજપના કાર્યક્રમમાં વાંસદા આવેલા સાંસદ સી.આર.પાટીલે રાજકીય રીતે વાંસદા બેઠકને દત્તક લીધી હોવાની જાહેરાત કરી હતી. એ દિવસથી જ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે આ બેઠક જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરતાં તેનું પરિણામ ગઈકાલે જોવા મળ્યું હતું. અનંત પટેલે ઐતિહાસિક જીત મેળવી લીડ બમણી કરી હતી, જેમાં સી.આર પટેલની જાહેરાત થકી તેમને સંઘર્ષ કરવાની પ્રેરણા મળી હોવાની વાત તેમણે દિવ્ય ભાસ્કર સમક્ષ કરી હતી.
અનંત પટેલનો જૂનો વીડિયો વાઇરલ
આઝાદીથી અત્યારસુધી આદિવાસી બાહુલ વસતિ ધરાવતી વાસદા બેઠક કોંગ્રેસને ફાળે આવી છે. લાંબા સમયથી ભાજપ આ બેઠક કબજે કરવા માટે તનતોડ મહેનત કરી રહી હોવા છતાં પણ આ વિસ્તારના લોકો ભાજપને સ્વીકારવા તૈયાર નથી. નાયબ મામલતદાર કક્ષાના અધિકારી પીયૂષ પટેલે પોતાની કારકિર્દી દાવ પર લગાવીને રાજીનામું આપી ભાજપમાંથી ઉમેદવારી કરી હતી, પરંતુ તેમને હાર સ્વીકારવાનો વારો આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે પણ ઉત્સાહમાં આવીને વાંસદા બેઠક રાજકીય રીતે દત્તક લીધી હોવાની જાહેરાત કરતાંની સાથે જ અનંત પટેલે પણ વાંસદા અને કબજે કરવા માટે જ સાઇલન્ટલી કામ કરવાનું શરૂઆત કરી દીધી હતી, જેના ફળ સ્વરૂપે ગઈકાલે તેમની જીત થઈ હતી. અનંત પટેલની જીત થતાં તેમનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. એમાં તેઓ પુષ્પાસ્ટાઈલમાં 'એક જ ચાલે, આદિવાસી ચાલે'નો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
અનંત પટેલની રાજકીય સફર
રાજ્યમાં અનંત પટેલ આંદોલનકારી નેતા તરીકે ઊભરી આવ્યા છે. પાર તાપી નર્મદા લિવરલિંક પ્રોજેક્ટ હોય કે ભારત માલા પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટ રદ કરવા માટે અનંત પટેલે આદિવાસી સમાજની લોકચાહના મેળવી છે. જળ, જમીન અને જંગલના મુદ્દે ચલાવેલા આંદોલનથી આદિવાસી સમાજમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખીને તેમની જંગી બહુમતી જીત અપાવી હતી. થોડા દિવસ અગાઉ અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હતો. જ્યારે મતદાનના એક દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર પણ હુમલો થયો હતો.
વાંસદા બેઠકમાં 141 ગામનો સમાવેશ
આદિવાસી પટ્ટાની વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. અગાઉ વાંસદા-ડાંગ વખતે અને ત્યાર બાદ ડાંગ અને વાંસદા વિધાનસભા અલગ થયા બાદ પણ વાંસદા પર કોંગ્રેસ જ જીતતી આવી છે. જ્યારે આ વખતે પણ એવું થયું છે. નવસારી જિલ્લાની ચાર પૈકી 3 બેઠક એટલે કે જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે, જ્યારે એક બેઠક પર એટલે કે વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલે બાજી મારી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં કુલ 141 ગામ આવેલાં છે, જેમાં વાંસદા તાલુકાનાં 95 ગામ, ચીખલી તાલુકાનાં 36 ગામ અને ખેરગામ તાલુકાનાં 5 ગામનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસતિ આદિવાસી લોકોની છે, જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.