સરકારી સહાય:નવસારી જિલ્લામાં 16399 લાભાર્થીને કીટ અપાશે

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને મંજૂરીપત્ર અને ચેક વિતરણ કરાયું

ગુજરાત સરકારની આદિવાસી કલ્યાણની વિવિધ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાની કીટ, દુધાળા પશુ સહાય, મંજૂરીપત્ર અને ચેક વિતરણ કાર્યક્રમ રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી સુરખાઇ, ચીખલીમાં યોજાયો હતો.આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર તમામ લોકોની ચિંતા કરી વ્યકિતગત લાભો તેના ઘર સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ છે.

જેમાં ખાસ કરીને આદિજાતિના લોકોને માળખાકીય સુવિધા, સારા રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધા આપી રહી છે. આદિજાતિના દરેક લાભાર્થીઓને લાભ મળવો જ જોઇએ. મંત્રીએ આદિજાતિ વિભાગ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ યોજનાઓ વિશે સવિસ્તાર જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું. મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વાસ્થ્યલક્ષી અભિયાનનો પ્રારંભ કર્યો છે.

જેમાં સ્ક્રિનિંગ લઇને સારવાર સુધીની સેવા આપવામાં આવશે. જેમાં 30 વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ થશે. રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામને જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં 823.99 લાખના ખર્ચે કુલ 16399 લાભાર્થીને કીટ વિતરણ, 472.32 લાખના ખર્ચે 9503 વ્યકિતગત લાભાર્થીને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અન્વયે કીટ કરવામાં આવશે. આદિમજૂથ જાતિના લોકોના વિકાસ યોજના અન્વયે 100 આવાસ માટે 120 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

પીવાના પાણી માટે ઘેર ઘેર નળ કનેકશન યોજના માટે રૂ. 40 લાખની જોગવાઇ મંજૂર કરાઇ છે. બેરોજગાર આદિજાતિના ભાઇઓ-બહેનોને રોજગારી માટે ગુજરાત સરકારની 4 ટકા તેમજ ભારત સરકારની 6 ટકા વ્યાજે લોન આપવામાં આવે છે. આ અવસરે મંત્રી નરેશભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 516 જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય મંજૂરી પત્ર અને ચેક વિતરણ એનાયત કરાયા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, બાંધકામ સમિતિના અધ્યક્ષા દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ખેરગામ-ગણદેવી-નવસારી તાલુકા પંચાયત પ્રમુખો, પ્રાયોજના વહીવટદાર નલવાયા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ સહિત જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...