તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો સાવધાન:પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળની શરૂઆતી અવસ્થાથી જ નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોલ આર્મીવોર્મ - Divya Bhaskar
ફોલ આર્મીવોર્મ
  • ફોલ આર્મીવોર્મ મકાઇ સાથે લગભગ 100 જેટલા પાકોને નુકશાન પહોંચાડે છે

તાજેતરમાં ગુજરાતમાં મકાઇના પાકમાં ટપકાવાળી લશ્કરી ઇયળ એટલે કે ફોલ આર્મીવોર્મ નામની જીવાત જોવા મળી છે. ફોલઆર્મીને પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવાત મકાઇના પાન, ચમરી અને ડોડામાં નુકશાન કરીને આર્થિક રીતે ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડતી હોવાનુ જાણવા મળ્યું છે. ફોલ આર્મીવોર્મ અમેરિકા અને આફ્રિકાના ઉષ્ણકટીબંધ વિસ્તારમાં વર્ષ 2016માં સૌપ્રથમ મકાઇના પાકામાં જોવા મળી હતી. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ 2018થી ફોલ આર્મીવોર્મની મોજણી કરવામાં આવતા તેનો ઉપદ્રવ નવસારી, તાપી, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં મકાઇના પાકમાં મર્યાદિત વિસ્તારમાં જોવા મળ્યો હતો.

આ જીવાતની પાકમાં નુકશાન કરવાની ક્ષમતાને ધ્યાને લેવામાં આવે તો જીવાતનો ઉપદ્વવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે ત્યારથી જ નિયંત્રણના પગલાં હાથ ધરવા ખુબ જ જરૂરી છે. ફોલ આર્મીવોર્મની મકાઇના પાકમાં જીવાતના ઉપદ્વવની સંભાવના વધુ હોવાથી મકાઇ ઉગાડતા ખેડૂતોને ચેતવાની ખૂબ જ જરૂર છે. મુખ્યત્વે આ જીવાત મકાઇના પાકમાં નુકશાન કરતી જોવા મળે છે. ઉપદ્રવ વખતે મકાઇનો પાક ન હોય તો જુવારના પાકમાં નુકશાન કરે છે. જો મકાઇ અને જુવાનનો પાક જે તે વિસ્તારમાં વાવેતર હેઠળ ન હોય તો અન્ય પાકો જેવા કે શેરડી, ડાંગર, ઘઉં તેમજ ઘાસચારાના પાકોમાં જીવાત નુકશાન કરી શકે છે. આ ઉપરાંત કપાસ અને શાકભાજીના પાકોમાં પણ નુકશાન કરવાની ક્ષમતા ધરાવે છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ આ જીવાતના નિદાન અને નિયંત્રણને અટકાવવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.

જેમાં પાકની શરૂઆતની અવસ્થામાં 2થી 3 અઠવાડિયા સુધી જીવાતથી પાકને રક્ષણ આપવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ સાયએન્ટ્રાનીલીપ્રોલ 19.8 ટકાની સાથે થાયોમેથોક્ઝામ 19.8 ટકા વાળી દવા 4 મિલી લઇને બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવાની સલાહ આપે છે. મકાઇના પાકમાં જૈવિક ફૂગ, લીમડા આધારીત જંતુનાશક દવા કે રાસાયણીક જંતુનાશક દવાઓનો છંટકાવ વહેલી અથવા સાંજના સમયે કરવો તેમજ દરેક છંટકાવ કરતી વખતે છોડની ટોચની ભૂંગળીઓ બરાબર ભીંજાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. કીટનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે 12થી 15 દિવસનો સમયગાળો જાળવવો જેથી પશુ અને માનવજાત પર દવાની વિપરીત અસર નિવારી શકાય છે. ફોલ આર્મીવોર્મના નિયંત્રણ માટે બહોળા વિસ્તારમાં ખેડૂતો સામુહિક રીતે સહભાગી થઇ પાક સંરક્ષણના જરૂરી પગલા હાથ ધરે તો આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...