નવસારી જિલ્લા સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. તેની સામે યુવાધનને રક્ષણ આપવા સરકારે વેક્સિન આપવાની શરૂઆત કરી છે. એ જ રીતે આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાતિએ પણ છતના ધાબે કે મેદાનમાં લોકો પતંગ ઉડાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. એવામાં કોરોના સંક્રમણ વધવાની પૂરી શક્યતા છે.
કોરોના સામે રક્ષણ મેળવવા જે રીતે વેક્સિનનો સહકાર લેવાય રહ્યો છે તે રીતે જીવન રક્ષણ માટે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણમાં પોતાના જીવનની દોરી ન કપાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આવી કેટલીક બાબતોનું દિવ્ય ભાસ્કરે લોકોનું ધ્યાન દોર્યુ છે અને સાવચેતી દાખવવા અનુરોધ પણ કર્યો છે. જેથી પોતાનુ અને પરિવારનું મકરસંક્રાંતિમાં અને કોરોનામાં રક્ષણ મેળવી શકાય.
1. નોકરી ધંધાની ભાગદોડમાં દોરીનો ખતરો ભૂલશો નહીં. બાઇક, સ્કૂટર કે મોપેડના હેન્ડલ પર બે ફૂટના લોખંડના સળિયાનું સેફ્ટી ગાર્ડ ફીટ કરાવી દો. આ એકમાત્ર એવો ઉપાય છે જે પતંગની દોરીને તમારા સુધી પહોંચવા દેશે નહી.
2. દ્વિચક્રી વાહનના હેન્ડલ પર સેફ્ટી ગાર્ડ લગાવ્યું ન હોય તો હેલ્મેટ અને ગળામાં મફલર કે સ્કાફ ચોક્કસ પહેરજો. જેથી ભૂલથી પણ પતંગની દોરી તમારા ગળામાં કે ચહેરા પર ફસાય તો તમને નુકશાન કરી શકે નહીंં.
3. દ્વિચક્રી વાહન પર બાળક સાથે નીકળો તો ભૂલથી પણ બાળકને આગળ બેસાડતા નહીં. પાછળ બેસાડો તો પણ તેનો ચહેરો અને હાથ કવર થાય તેવા વસ્ત્રો પહેરાવીને જ નિકળજો. જેથી તમારૂ બાળક દોરીથી સલામત રહે.
4. ઉત્તરાયણના દિવસોમાં તમારૂ બાઇક કે સ્કૂટર નિયંત્રિત ગતિમાં ચલાવજો. કારણ કે અચાનક ગળામાં દોરી આવશે તો તમારા વાહનની ગતિ ધીમી હશે તો જ તમે વાહન પર કાબુ મેળવી શકશો. अन्यઅન્યથા તમારો તહેવાર બગડી શકે છે.
5. તમારા બાળકોને અત્યારથી જ મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવામાં કે લૂંટવામાં સાવધાનીના પાઠ શિખવી દેજો. વીજળીના તારમાં દોરી ફસાય તો પતંગની લાલસામાં પરાણે દોરી ખેંચે નહીં તેવી શિખામણ આપજો. અન્યથા કરંટ લાગવાનું જોખમ રહેશે.
6. પતંગ રસિયાઓને ઉત્તરાયણના દિવસે ખાવા-પીવાનો પણ સમય રહેતો નથી. બીજી તરફ ઠંડી ઓછી થતા તાપ પણ લાગશે. આ સંજોગોમાં કંટાળીને ચહેરા પરથી માસ્ક હટાવવું કે અગાસીમાં વધુ લોકોએ એકઠા થવું તમને સંક્રમિત કરી શકે છે.
પક્ષીઓને પતંગની દોરીથી વધુ જોખમ
સમગ્ર દેેશમાં કોરોના સાથે ઓમિક્રોનની દહેશત વધી છે. તેવામાં પક્ષીઓને ખતરો પતંગની દોરીથી પણ છે. પક્ષીઓને દોરીથી પૂર્ણ રીતે બચાવવા શક્ય નથી, પરંતુ જો તમને કોઇ ઇજાગ્રસ્ત પક્ષી મળી આવે તો પ્રાથમિક સારવાર આપી જીવદયા પ્રેમીઓને બોલાવવાનું પુણ્ય કમાવવાનું ચૂકશો નહીં. કારણ કે સમયસર સારવાર પક્ષીને તેની પાંખ બચાવી ફરી આજીવન ઉડાન આપી શકે છે.ગત વર્ષ દરમિયાન મકરસંક્રાંતિમાં 1400થી વધુ પક્ષીઓને પતંગની દોરીથી ઇજા પહોંચી હતી તો કેટલાક પક્ષીઓએ જીવ ગુમાવી દીધા હતા. આ દરમિયાન જીવદયા પ્રેમીઓએ કેટલાક પક્ષીઓને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.