ભારત સરકારના હોમ એફેર્સ(ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગના ઇન્ટર મિનિસ્ટ્રીયલ હોમ દ્વારા નવસારીમાં આવેલા પૂર તથા ભારે વરસાદના લીધે થયેલા નુકસાન સંબંધે શુક્રવારે નવસારી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત નવસારી કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પૂર દરમિયાન નુકસાન થયેલ વિવિધ વિભાગોની કામગીરીથી હોમ એફેર્સથી પધારેલ ઇન્ટર મિનિસ્ટ્રેયલ ટીમના સભ્યોને માહિતગાર કર્યા હતા. જિલ્લામાં વિવિધ વિભાગો જેવા કે કૃષિ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ, પશુપાલન, આરોગ્ય, ઉર્જા વિભાગના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં થયેલા નુકસાન સબંધિત તમામ ટેકનિકલ માહિતીની વિગત દિલ્હીથી આવેલ ટીમને આપવામાં આવ્યું હતું.
મિટીંગ પૂર્ણ થયા બાદ કલેકટર તેમજ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકશાનની ઘટનાસ્થળે જાતમુલાકાત લીધી હતી. જે અન્વયે ટીમ દ્વારા નવસારીથી વિરાવળ ખાતે પૂર્ણા બ્રિજ પર જળસપાટીની માહિતી, તવડી ગામે સ્ટેટ રોડ તથા ખેતી નુકસાન, ખડસુપા પાંજરોપોળ, ચીખલી થાલા ગામમાં નીચાણવાળા વિસ્તાર, ગણદેવી તાલુકામાં ઉંડાચ બ્રીજ, કલમઠા પ્રાથમિક શાળા, છાપર ગામે પાવર સબ સ્ટેશન, મેંધર ગામે જિંગાના તળાવ, દેવધા, વાંસદા તાલુકાના પ્રતાપનગરના ગામે થયેલ નુકસાનની વિગતો મેળવી હતી.
તેમજ નુકસાન થયેલા પરિવારોની પણ રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દિલ્હીથી આવેલી ટીમની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર અમિતપ્રકાશ યાદવ સાથે રહી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. આ અવસરે જિલ્લા પ્રભારી સચિવ કે.કે.નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.