કાર્યવાહી:વિજલપોરમાં ફૂડ વિભાગના દરોડામાં અખાદ્ય પનીર, ચીઝ અને માવો ઝબ્બે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજી ડેરીમાં આરોગ્ય વિભાગની રેડ, દુકાનદાર સામે કાર્યવાહી

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સિન્થેટિક પનીર સસ્તા ભાવે વેચાતું હોવાની ફરિયાદ ઘણા વખતથી ઉઠી હતી. જેમાં વિજલપોરના ભક્તિનગરમાં આવેલી ગિરિરાજસિંઘ સિંહની શ્રીજી ડેરીમાં સિન્થેટિક પનીરનો જથ્થો આવનાર છે તેવી બાતમી ફૂડ વિભાગને મળી હતી. ફૂડ વિભાગના કૃપાબેન અને હિરેનભાઈ વિજલપોરમાં આવીને સિન્થેટિક પનીરનો જથ્થો લાવનાર રિક્ષા (નં. GJ-15-AU-9413)ને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા પનીરના 20 મોટા ટુકડા મળી આવ્યા હતા.

તેમણે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા આ જથ્થો વિજલપોરની શ્રીજી ડેરીમાં આપવાનો હોવાનું જણાવ્યું હતું. ફૂડ અધિકારીઓએ દુકાનમાં પહોંચતા ગિરિરાજસિંહ પનીરના નાના ટુકડા પાડી પેક કરી રહ્યો હતો. ફૂડ વિભાગે બિનઆરોગ્યપ્રદ સિન્થેટીક (ડુપ્લીકેટ) પનીરનો જથ્થો આશરે 120 કિગ્રા કિંમત રૂ.12000 કબજે કરી તેની લેબોરેટરીમાં તપાસ કરવા સેમ્પલ લીધુ હતું.

આ ઉપરાંત ડેરીમાં તપાસ કરતા 12 કિલો અખાદ્ય ચીઝ અને 50 કિલો દૂધના પાવડરમાંથી બનાવેલો મીઠાઈનો માવો પણ મળી આવતા કબજે કરી સેમ્પલ લઈ બાકીનો તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. નવસારીના કેટલીક રેસ્ટોરન્ટ અને હોટલમાં આ સિન્થેટિક પનીર સસ્તા ભાવે ખરીદીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

નારગોલમાં રૂ.100માં વેચાતુ પનીર નવસારીમાં 300ના ભાવે વેચાય છે
સિન્થેટિક પનીરનો જથ્થો નારગોલ ગામે એક ફેકટરીમાં બને છે. સેલવાસના નરોલીનો વેપારી આ પનીર 100માં લાવે છે અને નવસારીમાં દુકાનદારને રૂ. 200માં પ્રતિ કિલોએ વેચે છે અને નવસારીના દુકાનદાર ગ્રાહકોને પ્રતિ કિલો 300માં વેચી રહ્યો હતો.

દૂધના પનીરનો ભાવ રૂ. 400 સિન્થેટિકનો 300
સામાન્ય રીતે 40 લિટર રૂ. 2600ના દૂધને ઉકાળીને 6થી 8 કિલો પનીર બને ઉપરાંત મજૂરી,ગેસ,સહિત ગણીએ તો ભાવ 400ની ઉપર પણ થઈ જાય. સિન્થેટિક પનીર 300માં કિલો વેચાય છે. આ પનીર ખાવાથી તે શરીરને ઘણી જગ્યાએ નુકસાનકારક છે. > નિરંજન બારોટ, ડેરીના માલિક

અન્ય સમાચારો પણ છે...