કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, આજે નવા બે કેસ આવતા એક્ટિવ કેસ 3 થયા

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનેડાથી લગ્નપ્રસંગમાં આવેલા નવસારીની માતા-પુત્રીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા

નવસારીમાં ફરી કોરોના પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. કેનેડાથી લગ્ન પ્રસંગમાં આવેલી નવસારીની માતા-પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નવસારીમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 3 થઈ છે.

નવસારીમાં છેલ્લા અઠવાડિયાથી ગણદેવીની વૃધ્ધા કોરોનાની સારવાર હેઠળ છે. જેથી વૃદ્ધા કોરોનાથી સાજા થાય એની નવસારીજનો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એ પૂર્વે મૂળ નવસરીનો ભાવસાર પરિવાર થોડા દિવસો અગાઉ લગ્ન પ્રસંગ હોવાથી કેનેડાથી નવસારી આવ્યો હતો. જેઓ મુંબઇ પણ ગયા હતા અને ત્યાંથી પરત ફરી કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પરિવારના 4 લોકોના RT-PCR ટેસ્ટ કરાવતા માતા-પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નવસારી આરોગ્ય વિભાગ દોડતું થયુ હતું. નવસારી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા માતા-પુત્રીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે માતા અને પુત્રીને કોરોનાના કોઈ લક્ષણ નહીં દેખાતા, તેમને હોમ કોરોન્ટાઇન કરી સારવાર શરૂ કરાવી છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાથી આવેલ માતા-પુત્રી પોઝિટીવ આવતા નવસારી જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 11,929 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે, જેમાંથી 11716 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે કુલ 210 લોકોને કોરોના ભરખી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...