પાણી યાત્રા:પીવાના પાણીની સમસ્યાને લઈ ચીફ ઓફિસરની ચેમ્બર બહાર મહિલા કોંગ્રેસે માટલા ફોડી વિરોધ કર્યો

નવસારી6 મહિનો પહેલા
  • વિજલપુર સહિત સમગ્ર સમાવિષ્ટ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં પાણી યાત્રાનું પણ આયોજન કર્યુ
  • વહેલી તકે સમસ્યાનું હલ કરવા માટે આવેદન પત્ર આપ્યું

નવસારીના વિજલપુર સહિત સમગ્ર સમાવિષ્ટ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં મહિલા કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું આયોજન કર્યુ હતું. જેમાં મહિલા કોંગ્રેસે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.

મધુર જળ યોજના અંતર્ગત છેલ્લા અનેક સમયથી પીવાના સ્વચ્છ પાણી પાલિકા દ્વારા ઉપલબ્ધ ન થતા સમગ્ર શહેરના લોકો વેચાતુ પાણી લઈને પીવા મજબુર બન્યું છે. જેથી કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું આયોજન કરીને ભાજપના સાશન અને પાલિકાની નીતિનો વિરોધ કર્યો છે. શિવાજી ચોકથી વાયા ફુવારાથી પાલિકા કચેરી પહોંચી ચીફ ઓફિસરની બહાર મહિલા કોંગ્રેસ દ્વારા માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું હતું.

પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે જોકે, પાલિકા વેરો વસૂલીને પણ પીવા લાયક સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન કરતા શહેરીજનો છેલ્લા અનેક સમયથી પૈસા ખર્ચીને પાણી પીવા મજબુર બન્યા છે.

ત્યારે આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કાર્યકરી પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં વિજલપોરના શિવાજી ચોકથી પાલિકા કચેરી સુધી પાણી યાત્રા સ્વરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરીને માટલા ફોડી વિરોધ નોધાવ્યો હતો. લોક પ્રશ્નોને લઇને જિલ્લા કોંગ્રેસ હવે ઉગ્ર વલણ અપનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...