જલાલપોર તાલુકાના વેસ્મા ગામે સરકારી ખરાબામાં કેટલાક લોકોએ બાંધકામ કરી દબાણ કરી દેતા આ બાબતે ગ્રામજનોએ નવસારી ડીડીઓને રજૂઆત કરી હતી. જેને પગલે મામલતદાર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરાઇ હોવાની માહિતી સાંપડી છે.
જલાલપોર તાલુકાના વેસ્મા ગામે બ્લોક નંબર-352 સરકારી ખરાબામા જમીન આવતી હોય જેમાં આસપાસના જમીન માલિકોએ બાંધકામ કરી દેતા ગ્રામજનોએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે વેસ્મા ગામમાં ઇન્ડસ્ટ્રીઝનું કામ ચાલી રહ્યું છે, જેના જમીન માલિકોએ વેસ્માના ગામ ખરાબાની રેવન્યુ બ્લોક નં. 352 માં કથિત બાંધકામ તથા જીઇબીના વીજળીના થાંભલા નંખાવ્યા છે તેમજ આજુ-બાજુના બ્લોક નંબરવાળાને જવા-આવવાનો રસ્તો હતો તે પણ બંધ કર્યો છે. ગામ ખરાબાની જમીનમાં આર.સી.સી. રોડનું બાંધકામ કર્યું છે.
આ રોડનું બાંધકામ પણ ગેરકાયેદ છે તેમજ સડક ફળિયા હળપતિવાસના વરસાદી પાણીની કાંસ હતી, જે પણ પુરાણમાં દબાણ કર્યું છે. એન.એ.ના હુકમમાં શરતોનો પણ ભંગ થતો હોય તો તાકિદે પગલા લેવા અનુરોધ કર્યો હતો.
દબાણ સાબિત થશે તો કાર્યવાહી થશે
વેસ્માની સરકારી જમીનમાં દબાણ બાબતે ફરિયાદ આવતા અમે સ્થળ તપાસ કરી છે. જમીનના માલિકો પાસે માપણીપત્રક દસ્તાવેજ મંગાવ્યા છે. માપણી પત્રકમાં જોઈ તપાસ કરીશું. જો દબાણ કરેલું સાબિત થશે તો દબાણ દૂર કરી દંડનીય કાર્યવાહી કરીશું. હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે.> જીજ્ઞા પરમાર , મામલતદાર, જલાલપોર તાલુકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.