નવસારી જિલ્લામાં આવેલ 3000 થી વધુ આંગણવાડીમાં બાળકો અને સગર્ભા માતાઓને પોષણ આપવાની વિવિધ યોજનાઓ માટે વર્કરોએ ખર્ચ કરી તેનું બીલ મુખ્ય કચેરીમાં આપવાનું હોય છે પણ છેલ્લા 3 માસથી આ બીલ ગ્રાન્ટના અભાવે પેન્ડિગ રહેતા આંગણવાડી વર્કરોમાં રોષ ફેલાયો છે. અધિકારીને પૂછતાં તેઓ રાબેતા મુજબ ગ્રાન્ટ નથી આવ્યાનું રટણ કરતા આંગણવાડી વર્કરોની હાલત ખરાબ થઇ ગઇ છે.
નવસારી જિલ્લામાં 3000થી વધુ આંગણવાડી આવેલી છે. જેમાં નાના બાળકોથી માંડી યુવતી, સગર્ભા માતાઓને પોષણ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ ચાલે છે. જેમાં બાળકો માટે પોષણયુક્ત આહાર, સગર્ભા માતાઓ માટે ગરમ આહાર માટે સિંગદાણા, તલનું તેલ, દળામણ,વાહતુંક મસાલા, લીલા શાકભાજી, ગોળ સહિત આપવામાં આવે છે. જેનું બિલ જે તે આંગણવાડી વર્કરો પહેલા ખર્ચ કરે પછી તેનું બીલ આઈસીડીએસ કચેરીમાં એકાઉન્ટ વિભાગમાં મુકવામાં આવે છે.
જોકે છેલ્લાં 3 માસથી આંગણવાડી વર્કરો બીલ મામલે રજૂઆત કરતા અધિકારીઓ ગ્રાન્ટ આવી નથી તેવું રટણ કરતા હોય છે. આંગણવાડી વર્કરોએ તેમના ખર્ચનું બીલ તરત મળે તે માટે રજૂઆત કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. હાલમાં આગણવાડી વર્કરોએ પોતાના ખર્ચે બાળકો અને સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર ખવડાવી રહ્યાં છે. આશાવર્કરોની હાલત કફોડી હોવા છતાં પોતાના વિસ્તારમાં પોષણને માટે કોઈ બાંધછોડ નહીં કરનારા આંગણવાડી વર્કરો મૂંગા મોઢે કામ કરી પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યાં છે. આગામી દિવસોમાં પ્રશ્નોના કાયમી સમાધાન માટે તંત્ર શું પગલા લે એ જોવું રહ્યું.
વાંસદા-ચીખલીમાં સપ્ટેમ્બર માસ પછીના બીલ બાકી
વાંસદા અને ચીખલી તાલુકાના સગર્ભા-ધાત્રી માટે પૂરક પોષણ માટે આંગણવાડી વર્કરો જ કામ કરતા હોય છે. તેમના બીલ સપ્ટેમ્બરમાં મંજૂર થયા બાદ વાંસદા-ચીખલી આદિવાસી વિસ્તારમાં જ આ પ્રોજેકટ ચાલતા હોય ગ્રાન્ટના અભાવે આંગણવાડી વર્કરો જ સહન કરતા હોય છે. તેઓએ વાંસદા તાલુકાના પ્રોજેકટ ઓફિસરને રજૂઆત કરી હતી પણ ગ્રાન્ટ આવી નહીં હોવાનું રટણ ચાલુ રાખતા આંગણવાડી વર્કરોની પરિસ્થિતિ કફોડી બની છે.
ગ્રાન્ટ આવી ગઇ, ફાળવણી બાકી
સરકારમાંથી આદિવાસી વિસ્તારમાં સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણ સુધા યોજના પ્રોજેકટ ચાલે છે. જેની ગ્રાન્ટ સપ્ટેમ્બર માસમાં છેલ્લે ચૂકવાઈ હતી. આ બાબતે સરકારમાં રજૂઆત કરી છે.ગ્રાન્ટ આવી ગઇ છે પણ હજુ ફાળવણી બાકી છે. જે ની ટૂક સમયમાં કામગીરી થઇ જશે. ગ્રાન્ટ આવતા ચૂકવાઈ જશે. -ડો.અતુલ ગજેરા, ઇન્ચાર્જ, ICDS પ્રોજેકટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.