નિર્ણય:ઓનલાઇન મોક પરીક્ષામાં દ. ગુજરાત યુનિવર્સિટી બીજા દિવસે પણ નાપાસ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી સંગઠનની સરળતાથી પરીક્ષા અપાય તેવી વ્યવસ્થા કરવા અનુરાેધ

કોરોનાના કહેરના ધ્યાને રાખીને વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે મોક પરીક્ષાનું આયોજન યુનિ. તરફથી કરાયું છે, પરંતુ આ મોક સ્ટેસ્ટમાં બે દિવસથી સતત ક્ષતિ આવવાને કારણે વિદ્યાર્થીઓ ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે.

વીઅેનઅેસય તરફથી આગામી દિવસોમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોક ટેસ્ટ લેવાઇ રહી છે. જોકે આ ઓનલાઇન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને અડચણ ઉભી થઇ રહી છે. પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યા ન હતા તે માટે બીજા દિવસે ફરી પરીક્ષાનું આયોજન કરાયું હતું.

જોકે બીજા દિવસે પણ પરિસ્થિતિ જૈસે થે જ રહી હતી. મોક ટેસ્ટમાં જ આવી પરિસ્થિતિ છે તો પછી રેગ્યુલર પરીક્ષા વખતે જો આજ ક્ષતિ ઉદભવે તો? આજ વિચાર સાથે નવસારીના વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. નવસારી વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ આ બાબતની ગંભીરતાને લઇને યુનિ. તથા કુલપતિને મેઇલ કરીને જાણ કરાઇ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેના માટે પણ વ્યવસ્થા ઉભી કરવા માગ કરી છે.

આજની તમામ મોક ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી
મોક ટેસ્ટમાં બે દિવસથી ખામી આવવાને કારણે યુનિવર્સિટીએ આજે લેનારી તમામ મોક ટેસ્ટ મોકુફ રાખવામાં આવી છે. ટેકનિકલ કારણસર આ ટેસ્ટ મોકુફ રખાઇ છે અને બાકી રહેલ મોક ટેસ્ટનું રિવાઇઝ સમય પત્રક યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવશે. જોકે, હાલમાં ચાલતી પરીક્ષાઓ (બી.એસસી. સેમ-1) યથાવત રીતે લેવાશે.

યુનિવર્સિટીએ સરળ પ્રોસેસનો ઉપયોગ કરવો જોઇએ
વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે, તેમનો સમય પણ વેડફાઇ રહ્યો છે. જોબ કરતા વિદ્યાર્થીઓ રજા પાડીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આવી સમસ્યા આવવાને કારણે આખો દિવસ વ્યર્થ થાય છે. યુનિવર્સિટીએ કોઇ સરળ પ્રોસેસનો ઉપયોગ કરવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે. > નિરજ ઝા, વિદ્યાર્થી સંગઠન, નવસારી

અન્ય સમાચારો પણ છે...