વરણી:નવસારી APMCની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા જાહેર થતા પ્રકાશ પટેલની પ્રમુખ તરીકે વરણી

નવસારીએક મહિનો પહેલા
  • જગદીશ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ એપીએમસીની ચૂંટણીમાં 3 ફોર્મ ખેંચાઈ જતા તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી

નવસારી APMCની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા જાહેર થતા તમામ 16 સભ્યોમાંથી આજે ગુરૂવારે પ્રમુખની વરણી કરવામા આવી હતી. જેમાં કોથમડી ગામના વતની અને છેલ્લા 13 વર્ષથી APMCમાં ડિરેકટર રહેલા પ્રકાશ પટેલ પર પ્રમુખ માટે પસંદગીનો કળશ ઢોળાયો હતો. સર્કિટ હાઉસ ખાતે બુધવારે APMCના બિનહરીફ વિજયી થયેલા તમામ 16 ડિરેક્ટરોની સેન્સ લેવામાં આવી હતી અને પ્રમુખ પદ મળે તો કયા કામો કરશો તેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે તમામને સાંભળ્યા હતા.

નવસારી એપીએમસીની ચૂંટણીમાં 3 ફોર્મ ખેંચાઈ જતા તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી. નવસારી એપીએમસીની જાહેર થયેલી 16 બેઠકોની ચૂંટણીમાં અગાઉ જ સહકારી ખરીદ વેચાણ મતદાર મંડળ વિભાગની 2 બેઠકોમાં દેવાંશું દેસાઈ અને અમિત પટેલ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જોકે, ખેડૂત વિભાગમાં ફોર્મ ચકાસણી બાદ 10 બેઠક માટે 12 ઉમેદવાર રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ નાયકની દાવેદારીને લઈને ભાજપમાં કશમકશ ચાલી હતી.

જોકે, જીગ્નેશ નાયક અને અન્ય 1 ઉમેદવાર વિજયસિંહ કપલેટિયાએ પણ ફોર્મ ખેંચી લેતા ખેડૂત વિભાગમાં તમામ 10 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. માજી ચેરમેન આશિષ નાયક ઉપરાંત ભરત આહીર, વિક્રમ મહેતા, જગદીશ પટેલ, પ્રકાશ પટેલ, મહેન્દ્રસિંહ કપલેટિયા, રાજેન્દ્રસિંહ ઠાકોર, વિમલ પટેલ, પિયુષ પટેલ અને દીપેશ પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેપારી વિભાગમાં પણ 1 ફોર્મ ખેંચાતા 4 સભ્યો બિનહરીફ થયા હતા. જેમાં રમેશ હીરાણી, રાજેશ હીરાણી, પ્રકાશ પટેલ અને વિજય શાહ છે. આ તમામ સભ્યોને બોલાવીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી સમયમાં ભાજપની આ પેનલ ખેડૂતોના પ્રશ્નોને લઈને કામ કરશે અને જિલ્લાની કૃષિ પેદાશના નિકાસને વેગ મળે અને જે રીતે ચીકુ અને કેરીમાં નવસારી જિલ્લો સમગ્ર ભારતમાં એક મોટો નિકાસકાર છે તેને લઈને વધુ કામગીરી થશે તેવી બાંહેધરી પણ જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.

નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપે મેન્ડેટ આપીને ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે અમારી પેનલ બિનહરીફ વિજયી થઈ હતી. જેને લઈને આજે મારા પર વિશ્વાસ મૂકીને ભાજપે મને પ્રમુખની જવાબદારી આપતા ખેડૂત અને વેપારીઓ સાથે સંકલન સાધીને તમામ વળઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવશું.

અન્ય સમાચારો પણ છે...