મંદિર ડિમોલિશન પ્રકરણ:નવસારીમાં ભાજપની બેઠકમાં મંદિર ડિમોલિશન વેળા બળપ્રયોગનો મુદ્દો ઉઠ્યો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિમોલિશન કરાયેલ મંદિરની જગ્યાએ સ્થાનિકો ધાર્મિક કાર્યક્રમ આપી રહ્યા છે - Divya Bhaskar
ડિમોલિશન કરાયેલ મંદિરની જગ્યાએ સ્થાનિકો ધાર્મિક કાર્યક્રમ આપી રહ્યા છે
  • બે સ્થાનિક નગરસેવકોએ ગેરવર્તણૂક કરનાર પોલીસ કર્મીઓ સામે પગલાંની માગ કરી

જમાલપોરના સર્વોદયનગરના મંદિર ડિમોલિશન પ્રકરણે ગુરૂવારે મળેલી નવસારી ભાજપની બેઠકમાં સ્થાનિક કાઉન્સિલરોએ પોલીસની બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.નવસારીના જમાલપોર વિસ્તારના સર્વોદયનગરમાં બનેલા રાધાકૃષ્ણનું મંદિરનું બાંધકામ સોમવારે નૂડા ઓથોરિટીએ વિશાળ પોલીસ કાફલા સાથે તોડી પાડ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ખાસ તો મંદિર તોડવા માટે જે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો તેની તો ભારે ટીકા કરવામાં આવી રહી છે. જે સંદર્ભે બુધવારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સોસાયટીમાં જતા સ્થાનિક મહિલાઓએ ભારે બળાપો વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન શુક્રવારે યોજાનારી નવસારી-વિજલપોર પાલિકાની સામાન્ય સભા અગાઉ દર વખતની જેમ આ વખતે પણ ગુરૂવારે ભાજપ પક્ષની બેઠક મળી હતી. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેઠકમાં જમાલપોર વિસ્તાર વોર્ડ નં. 13માંથી ચૂંટાયેલ ભાજપના બે નગરસેવકો પ્રશાંત દેસાઈ અને વિજય રાઠોડે મંદિર પ્રકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. બન્ને નગરસેવકોએ પોલીસે ડિમોલિશન વેળા જે બળપ્રયોગ કર્યો તેની સખત ટીકા કરી ગેરવર્તણૂક કરનારા સામે કડક પગલાં લેવાની માગ પણ કરી હતી.

ડિમોલિશન વિવાદ વચ્ચે આજે પાલિકાની સભા
સોમવારે નુડાએ બળપ્રયોગ કરી સર્વોદયનગરના મંદિરનું બાંધકામ દૂર કરતા 3 દિવસથી સમગ્ર પંથકમાં આજ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે. આ વાદવિવાદ વચ્ચે જ 29મીને શુક્રવારે નવસારી-વિજલપોર પાલિકાની સામાન્ય સભા મળી રહી છે. આમ તો આ મુદ્દો પાલિકાનો નથી, નૂડાનો છે પરંતુ ઉક્ત વિસ્તાર પાલિકાની હદમાં જ હોય કોઈ નગરસેવક આ મુદ્દો ઉઠાવે કે નહીં તે જોવું રહ્યું.

સીઆર પાટીલ િવરુદ્ધ ટ્વીટરમાં ટ્રેન્ડ ચાલ્યો
જમાલપોરની સર્વોદયનગર સોસાયટીમાં મંદિર તોડી પાડવાના મુદ્દે હાલ વાતાવરણ ગરમાયું છે ત્યારે મંદિર તોડવાના મુદ્દે ટ્વીટરમાં નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ િવરુદ્ધ હજારોની સંખ્યામાં માત્ર ગણતરીના સમયમાં ટ્વીટ થયા હતા. આ ટ્વીટ CRPaatil_Vandalised_Temple અને Build_Temple_Againના હેઝ ટેગ ચાલ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંદિર તૂટ્યાની સાથે જ સોશ્યલ િમડીયામાં લોકો ભાજપ તથા સીઆર પાટીલ િવરુુદ્ધ બળાપો કાઢી રહ્યાં છે અને મંદિર તૂટવા, મહિલા- બાળકો પર બળપ્રયોગની ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...