વિશેષ સિદ્ધિ:તામિલનાડુની 42મી નેશનલ માસ્ટર એથ્લેટીક્સમાં પારડીનો દોડવીર 100-400 મીટરની દોડમાં 5મા ક્રમે

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમિલનાડુ ખાતે વિજેતા પારડીના બકુલ પટેલ. - Divya Bhaskar
તમિલનાડુ ખાતે વિજેતા પારડીના બકુલ પટેલ.
  • હવે વર્લ્ડ રનિંગ સ્પર્ધામાં પસંદગી થતા ભારતનું પ્રતિનિધિત્વ કરશે બકુલ પટેલ

નવસારી તાલુકાનાં પારડી (સરપોર) ગામના દોડવીર બકુલ પટેલે તામિલનાડુમાં યોજાયેલી 42 નેશનલ માસ્ટર એથ્લેટીક્સ રાષ્ટ્રીય કક્ષાની રનિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ 5મા ક્રમે આવ્યા હતા. તેમની પસંદગી વર્લ્ડ રનિંગ સ્પર્ધામાં થતા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ તેઓ 41મી રનિંગ સ્પર્ધામાં કેનેડામાં ભાગ લઈ ચૂક્યા છે.

નવસારી તાલુકાના પારડી (સરપોર) ગામના બકુલ પટેલ (ઉ.વ. 50) ક્રિકેટની સ્પર્ધામાં ઉજ્જવળ રેકોર્ડ ધરાવે છે. તેઓને ક્રિકેટ સહિત દોડમાં પણ રસ હોય તેઓ 2 વર્ષથી 45 વર્ષથી ઉપરનાં ગ્રુપના માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે.

એક વર્ષમાં તેમણે માસ્ટર એથ્લેટીક્સ તાલુકા, જિલ્લા કક્ષાની 100, 200 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સ્ટેટ લેવલે પણ ગોલ્ડ મેડલ અને એક વર્ષ અગાઉ મણીપુરમાં યોજાયેલી 41મી નેશનલ માસ્ટર એથ્લેટીક્સની રાષ્ટ્રીય કક્ષાની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે 200 મીટર દોડમાં દેશમાં 5મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

તાજેતરમાં 42મી માસ્ટર એથ્લેટીક્સ રાષ્ટ્રીય સ્પર્ધા તામિલનાડુમાં યોજાઈ હતી. જેમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે 100 અને 400 મીટર દોડમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમનું વર્લ્ડ રનિંગ સ્પર્ધામાં સિલેકશન થયું છે. હાલમાં કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુરોપના એક દેશમાં રમાશે પણ હજુ સ્થળ નક્કી થયું નથી પણ નવસારીનો બકુલ વર્લ્ડની રનિંગ સ્પર્ધામાં સતત બીજા વર્ષે ભાગ લઈ દેશનું ગૌરવ વધારશે તે નક્કી છે.

સતત બીજા વર્ષે વિશ્વ કક્ષાએ પસંદગીથી આનંદ છે
મને ક્રિકેટ સહિત દોડનો શોખ છે. મારો મોટો ભાઈ હિતેશ પટેલ ક્રિકેટ એકેડેમી ચલાવે છે. બે વર્ષ પહેલા મોટાભાઈએ મારી જાણ બહાર દોડ સ્પર્ધામાં ભાગ લેવા નામ નોંધાવ્યું હતું. એક દિવસ બાદ માસ્ટર એથ્લેટીક સંસ્થામાંથી ફોન આવ્યો એટલે આશ્ચર્યચકિત થયો. દોડવાની શરૂઆત કરીને સતત બીજા વર્ષમાં યોજાનારી સ્ટેટ લેવલની રનિંગ સ્પર્ધામાં વિજેતા બન્યો અને હવે વર્લ્ડની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યો છું. - બકુલ પટેલ, દોડવીર, પારડી

અન્ય સમાચારો પણ છે...