• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Pratap Nagar Of Vansada, The Crematorium Is Submerged In Water, If Someone Dies In The Village, It Is Difficult To Perform Cremation.

વરસાદ બન્યો આફત:વાંસદાનાં પ્રતાપ નગરમાં સ્મશાન પાણીમાં ગરકાવ, ગ્રામ્યમાં કોઈનું મૃત્યુ થાય તો અગ્નિસંસ્કારની ક્રિયા કરવી મુશ્કેલ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, નદી-નાળા છલકાયા

નવસારીના વાંસદામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે કાવેરી નદીમાં પણ ધોધમાર પૂર આવ્યું છે. જેને લઈ વાસંદાના પ્રતાપ નગરમાં સ્મશાન પાણીમાં ગરકાવ થયું હતું. ત્યારે હાલ પ્રતાપનગર સહિત આસપાસના ગામોમાં કોઈનું અવસાન થાય તો લોકોએ અંતિમક્રિયા માટે વિચારવું પડી શકે છે.

નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
નવસારીના વાંસદા તાલુકામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી આ વરસાદ આફત બનીને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાની નદીઓ, ખાડીઓમાં નવા નીર આવ્યાં છે, ખાસ કરીને નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નદી કિનારે કે ખાડી કિનારે કેટલાય ઘરોમાં પાણી ભરાયા છે અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સામે ડાંગના સાપુતારા ફરવા જતા સહેલાણીઓ વાંસદામાં નદી કિનારે ઉભા રહી વરસાદ સાથે રજાની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે.

નદીમાં પૂરની સ્થિતિ હોવાથી નદીથી દૂર રહેવું હિતાવહ
વાંસદાના પ્રતાપનગર નજીકથી પસાર થતી કાવેરી નદીએ રૈદ્રરૂપ ધારણ કર્યું છે. જેને લઈ અહિંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો કેમેરામાં આ દૃશ્યો કેદ કરતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ નદી કિનારે બનાવેલું સ્મશાન પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. નારાયણને પ્રતાપનગર સહિત આસપાસના ગામોમાં કોઈનું અવસાન થાય તો લોકોએ અંતિમક્રિયા માટે વિચારવુ પડી શકે છે. જ્યારે નદીમાં પૂરની સ્થિતિ હોવાથી નદીથી દૂર રહે એજ હિતાવહ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.

ઘરો પર ઝાડ પડતા લોકોને નુકસાન
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોના ઘર ઉપર ઝાડ પડ્યા હતા. જેથી ઘરવખરીને નુકસાન થયું છે અને તેઓ વરસાદી આફત સામે ઈશ્વર સામે મિટ માંડીને વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ લોકો આ વરસાદની મજા માણવા માટે નદી કિનારે પહોંચીને સેલ્ફી લઈ રહ્યા છે. આ વરસાદ કોઈક માટે અવસર તો કોઈક માટે આફત રૂપ સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...