માંગણી:પારડી (સરપોર) ગામેદોઢ માસ પહેલા રદ કરાયેલી ગ્રામસભા પુન: બોલાવવા ગ્રામજનોની માંગ

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને સરપંચ દ્વારા ગ્રામસભાની​​​​​​​ કોઈ જાણ કરાઇ નહીં હોવાનો ગામલોકોનો આક્ષેપ

નવસારી તાલુકાના પારડી (સરપોર)ના સરપંચ અને તલાટી દ્વારા ગામના લોકોનો નહીં પણ માનીતા સભ્યોને બોલાવી ગ્રામસભાનું કામ પૂર્ણ થયું હતું. આ બાબતે ગામ પંચાયતમાં અન્ય સભ્યો અને ગ્રામજનોને ખબર પડતાં તેઓએ તલાટી સમક્ષ વિરોધ કરતા ગ્રામસભા બરખાસ્ત કરી અન્ય તારીખે બોલાવવા જણાવ્યું હતું. જેને દોઢ માસ થયો હોવા છતાં ગ્રામસભા નહીં બોલાવતા ડીડીઓને ફરિયાદ કરી હતી. નવસારી તાલુકાના પારડી (સરપોર)ના ગ્રામજનોએ સોમવારે ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી.

જેમાં જણાવ્યું કે જૂનના રોજ બરખાસ્ત ગ્રામસભા તુરંત અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે ગામમાં 17 જૂનના રોજ ગ્રામસભા હતી, જેમાં તલાટી કમ મંત્રી અને સરપંચ તરફથી ગ્રામજનોની જાણ બહાર તથા ગામમાં એજન્ડા ફેરવ્યા વિના પોતાની મનમાની કરી પંચાયતનો વહીવટ કરે તે અયોગ્ય છે. ગ્રામસભાની જાણ થતા ગ્રામજનો ભેગા થઈ પંચાયત ઓફિસે જઈ સરપંચ અને તલાટીને પૂછતાં એજન્ડા કેમ ફેરવ્યા નહીં તે બાબતે ગામજનોએ પ્રશ્નનો મારો ચલાવતા ગ્રામસભા બરખાસ્ત કરાઇ હતી.

પ્રશ્નોમાં સ્વભંડોળની જાણકારી કેમ ન આપી, 15મા નાણાંપંચની પૈસાની જોગવાઈ કયા કરી, ગામ તળાવ 42 વીઘાનું માટીખનન કર્યું તેના નાણાં પંચાયતમાં જમા કરાવ્યાં કે કેમ? આ નાણાં બાબતે જાહેરમાં લોકોને હિસાબ આપે, આ બરખાસ્ત સભા ઉચ્ચાધિકારીઓની હાજરીમાં બોલાવાય અને તમામ પ્રશ્નોનો જવાબ સરપંચ અને તલાટી ગ્રામજનોને જાહેરમાં આપે તેવી માંગ કરી હતી.

આ મામલો પંચાયતના જૂના અને નવા સભ્યો વચ્ચેનો આંતરિક છે
સ્વભંડોળ અને નાણાંપંચની જોગવાઈ અને માટીખનનના હિસાબ બાબતે વાતચીત થઈ છે. આ મામલો હાલના નવા સભ્યો અને પંચાયતના જૂના સભ્યો વચ્ચેનો આંતરિક છે. અમારે લોકોના કામ કરવા પડે છે. આ બાબતે સમાધાન થઈ ગયું છે. - જુગલભાઈ,તલાટી કમ મંત્રી

અન્ય સમાચારો પણ છે...