વિધાનસભા સંગ્રામ 2022:પુરૂષ કરતાં મહિલા મતદાર વધુ એવા નવસારીમાં રાજકીય પક્ષના 16 ઉમેદવારોમાં મહિલા કોઇ નહીં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 17મીએ ઉમેદવારોનું છેલ્લુ ચિત્ર સ્પષ્ટ થયું, ચાર બેઠકો પર 18 ઉમેદવાર રહ્યાં જેમાં નવસારી બેઠક પર જ એક મહિલા ઉમેદવાર

નવસારી જિલ્લામાં પુરૂષ કરતા મહિલા મતદાર હોવા છતાં વિધાનસભાની 4 બેઠકો પર રાજકીય પક્ષોના કુલ 16 ઉમેદવારો માં એકપણ મહિલાને ટિકિટ આપી નથી.માત્ર 1 અપક્ષ મહિલાએ ઉમેદવારી કરી છે. સમગ્ર રાજ્યમાં જે કેટલાક જિલ્લામાં પુરૂષ કરતાં વધુ મહિલા મતદારોના છે તેમાં અહીંનો નવસારી જિલ્લો પણ છે. નવસારી જિલ્લામાં કુલ 1078260 મતદારોમાં પુરૂષ મતદાર 538876 અને મહિલા મતદાર એથી વધુ 539346 છે. આ જિલ્લામાં મહિલા મતદાર વધુ હોવા છતાં આ વખતની 4 વિધાનસભાની બેઠક ઉપર મહિલા ઉમેદવારોની સંખ્યા લગભગ નહિવત જોવા મળી છે.

17મીએ ઉમેદવારીપત્રક ખેંચવાના છેલ્લા દિવસે સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. જેમાં 4 બેઠકો ઉપર 18 ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં રહ્યા છે.જેમાં સૌથી વધુ નવસારી બેઠક ઉપર 6 છે. અન્ય બેઠકોવાર જોઈએ તો જલાલપોરમાં 4,વાંસદામાં 5 અને ગણદેવી બેઠક ઉપર સૌથી ઓછા 3 રહ્યાં છે.સૌથી નોધનીય બાબત મહિલા ઉમેદવારોની સંખ્યાને લઇને જોવા મળી છે. 4 બેઠકો પર ઉમેદવારી કરેલ કુલ 18 ઉમેદવારોમાં મહિલા ઉમેદવાર તો એક જ છે, તે પણ નવસારી બેઠક ઉપર અપક્ષ જ છે .રાજકીય પક્ષોએ તો 4 બેઠકો ઉપર 16 ઉમેદવાર ઊભા રાખ્યા છે તેમાં તો એકપણ નથી.

પાલિકા અને વિવિધ પંચાયતોમાં 50 ટકા મહિલા પણ વિધાનસભામાં 10 ટકા ઉમેદવાર પણ નહીં
રાજકારણમાં વધુને વધુ મહિલાઓ આવે અને મહિલા સશક્તિકરણ વધે તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેવી પંચાયતો અને પાલિકાઓમાં કુલ બેઠકોમાં અગાઉ 33 ટકા મહિલા અનામત હતી, તે વધારી હવે તો 50 ટકા કરાઇ છે જેને લઇને ઘણી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો તથા નગરપાલિકાઓમાં સભ્યો તરીકે તો મહિલાઓ ચૂંટાય છે સાથે પ્રમુખ પણ બની રહી છે. જેને લઇને ઉક્ત તમામ સંસ્થાઓમાં મહિલાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં એવું નથી.

નવસારી જિલ્લામાં અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મહિલા ઉમેદવારો ઓછી હતી અને ધારાસભ્ય તરીકે ચૂંટાનાર મહિલાઓ પણ ખૂબ જ ઓછી રહી હતી. નવસારી જિલ્લામાં 4 બેઠકો ઉપર જે ઉમેદવારી થઈ છે તેમાં તો 10 ટકા પણ મહિલા જણાઈ નથી, રાજકીય પક્ષોમાં તો 1 ટકા પણ નહીં. ઉચ્ચ કક્ષાના રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આપ સહિતના કોઇપણ રાજકીય પક્ષે જિલ્લામાં ચાર બેઠકમાંથી એકપણ બેઠકમાં ટિકીટ આપવાનું મુનાસીફ માન્યું નથી.

જલાલપોરમાં અપક્ષ અને બીએસપી ઉમેદવારે ફોર્મ ખેંચ્યા
17મીએ ઉમેદવારીપત્રકો ખેંચી લેવાનો દિવસ હતો ત્યારે બે ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા હતા, જે બંને જલાલપોર બેઠક ઉપર ખેંચાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપનાર લીગલ સેલના ઈન્ચાર્જ અને અપક્ષ ઉમેદવારી કરનાર એડવોકેટ અમિત કચવે અને બીએસપીના ઉમેદવાર સુરેશ ધાંધલે ફોર્મ ખેંચી લીધા હતા. અહી ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડમી તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારોએ આ અગાઉ જ પોતાના ફોર્મ ખેંચી લીધા હતા. હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

4 વિધાનસભા બેઠકોના 18 ઉમેદવારની બેઠકવાર યાદી
નવસારી બેઠક : રાકેશ દેસાઇ (ભાજપ), દિપક બારોટ (કોંગ્રેસ), ઉપેન પટેલ (આપ), મહેન્દ્ર સોલંકી (બસપા), ગોવિંદભાઈ રાઠોડ (અપક્ષ), કલ્પનાબેન મુન્સી (અપક્ષ)
જલાલપોર બેઠક : આર.સી. પટેલ (ભાજપ), રણજીત ઉર્ફે મુન્નાભાઈ પાંચાલ (કોંગ્રેસ), પ્રદીપ મિશ્રા (આપ), નૈસરકા મોહમદ (એસડીપીઆઈ)
ગણદેવી બેઠક : નરેશ પટેલ (ભાજપ), અશોક પટેલ (કોંગ્રેસ), પંકજ પટેલ (આપ)
વાંસદા બેઠક : પિયુષ પટેલ (ભાજપ), અનંત પટેલ (કોંગ્રેસ), પંકજ પટેલ (આપ), મનકભાઈ શાનકર (બીએસપી), અલ્પેશ પટેલ (બીઆરએસપી)

અન્ય સમાચારો પણ છે...