નવસારી શહેરમાં મીઠાઈની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરના જુનાથાણા રોડ પર આવેલી શ્રીરામ ડેરી નામની મીઠાઈની દુકાનમાં રાત્રે શટર ઊંચું કરી પ્રવેશેલા તસ્કરે સૌપ્રથમ તો મીઠાઈથી પેટ ભર્યું હતું જે બાદ ગલ્લામાં રહેલા 10,000 રોકડા લઈ પલાયન થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
ગલ્લામાંથી 10 હજાર રૂપિયાની ચોરી કરી
શહેરમાં ટ્રાફિકથી ધમધમતા જુનાથાણા રોડ પર આવેલી જાણીતી શ્રીરામ ડેરી પર ગત રાત્રે તસ્કરે શટરનો એક તરફનો ભાગ ઉંચો કરી દુકાનમાં પ્રવેશ્યો હતો. જે બાદ સૌપ્રથમ તસ્કરે આશરે 750 મિલી લિટર જેટલી લસ્સી ગટગટાવી હતી. તેમજ અમેરિકન શ્રીખંડ પણ ટેસ્ટથી ઝાપટ્યા હતા. ભૂખ સંતોષયા બાદ તસ્કરે ગલ્લા તરફ જઈને 10,000 રોકડા કાઢીને શાંતિથી તેને ગણતો હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.
દુકાન માલિકે પોલીસ ફરિયાદ કરી
ડેરીના સંચાલક સારંગ બારોટે સવારે આવીને દુકાનમાં જોતા ગલ્લો અને બીજો અન્ય સરસામાન અસ્તવ્યસ્ત જણાયો હતો. ચોરીની ઘટનાની જાણ સૌપ્રથમ દુકાનના કર્મચારીએ શેઠને કરતા શેઠે સીસીટીવી સહિત અન્ય બાબતની ચકાસણી કરી હતી અને ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.