અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતી વખતે મહેસાણાના ચાર યુવાનો જે હોડીમાં બેસીને જનાર હતા તે અચાનક ડૂબવા લાગતા અમેરિકાની પોલીસે તમામને બચાવી લીધા હતા. તમામ ચાર યુવાનોને અંગ્રેજી આવડતું નહીં હોવા છતાં IELTSની પરીક્ષામાં ગ્રેડ લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. નવસારીની ગ્રીડ હાઇવે પાસે આવેલ ફનસિટી હોટલમાં તમામ યુવાનોએ પરીક્ષા આપી હોવાનું ખુલ્યું હતું. જેમાં મહેસાણા એસઓજીએ હોટલના મેનેજરની પૂછપરછ કરીને જે તે દિવસના પરીક્ષાને લગતા તમામ દસ્તાવેજ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી હતી.
મહેસાણાના ચાર યુવાનો ફોરેન જવા માટે લાયકાત ધરાવતી IELTSની પરીક્ષા આપવા અમદાવાદની કંપનીનો સંપર્ક કર્યો હતો. આ પરીક્ષા નવસારીના હાઇવે નંબર 48 પર આવેલી ફનસિટી હોટલમાં એક વર્ષ પહેલાં આપી હતી, ત્યારબાદ વિદેશ ગયા પણ અમેરિકાની બોર્ડર પર એક અકસ્માતને કારણે આ યુવાનોને IELTSની પરીક્ષામાં 8 ગ્રેડ હોવા છતાં અંગ્રેજી આવડતું નહીં હોવાનું ખુલ્યું હતું.
અમેરિકા પોલીસે ઇન્ડિયન એમ્બેસી મારફતે મુંબઈ અને ત્યારબાદ ગુજરાત પોલીસનો સંપર્ક કરી યુવાનોને વિદેશ મોકલવા માટે પરીક્ષા પાસ કરી આપવામાં અમદાવાદની એક કંપનીનું નામ ખુલતા બેની અટક કરી હતી. પૂછપરછમાં આ છાત્રો નવસારીની ફનસિટી હોટલમાં પરીક્ષા આપવા આવ્યા હતા પણ તે પહેલાં નજીકમાં આવેલી સુપ્રીમ હોટલમાં આ રોકાયા હોવાની માહિતી મહેસાણા પોલીસને મળતા તેઓએ સુપ્રીમ હોટલના સંચાલકો સાથે પણ જે-તે દિવસના તમામ ડોક્યુમેન્ટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીની ફનસિટી હોટલના સંચાલકોએ મહેસાણા પોલીસમાં જઈ પરીક્ષા બાબતે નિવેદન આપ્યું હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.