કોંગ્રેસના સહ સ્થાપકો એવા દાદાભાઈ નવરોજીના જન્મસ્થળ નવસારીમાં કોંગ્રેસ 32 વર્ષથી વિધાનસભા બેઠક જીતી નથી. કોંગ્રેસની સ્થાપના 1885માં જ્યારે થઈ હતી ત્યારે તેના 3 મુખ્ય સ્થાપકો હતા. જેમાં એલન હ્યુમ સાથે દિનશા વાચા અને નવસારીના દાદાભાઈ નવરોજી પણ હતા. પક્ષના પ્રથમ પ્રમુખ તો એક બંગાળી બન્યા હતા પરંતુ દાદાભાઈ નવરોજી ત્યારબાદ 1886 અને ત્યારબાદ પણ પક્ષના પ્રમુખ બન્યા હતા.
તેઓ બ્રિટીશ સંસદમાં ચૂંટાનાર પ્રથમ એશિયન પણ હતા અને હિંદના દાદા તરીકે પણ દેશભરમાં પ્રખ્યાત થયા હતા. આમ તો જેઓ કોંગ્રેસ પક્ષના સહ સ્થાપક ગણાય છે એ દાદાભાઈના વતન નવસારીમાં પક્ષની હાલત 1990 પહેલા તો સારી હતી અને વર્ષો સુધી અહીંની વિધાનસભા અને નગરપાલિકામાં કોંગ્રેસનો જ દબદબો રહ્યો હતો પણ 1990 બાદ સતત સ્થિતિ બગડી છે.
1990 બાદ ક્યારેય નવસારી વિધાનસભા બેઠક કોંગ્રેસ જીતી નથી તો 1998 બાદ ક્યારેય અહીંની નગરપાલિકામાં પણ સત્તાધિશ પણ થઈ નથી. જોકે હવે નવસારી શહેરમાં સમાવાયેલ જલાલપોરના સી.ડી.પટેલ જરૂર 2000ની સાલમાં અરસામાં પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યાં અને નાયબ મુખ્યમંત્રી પણ બન્યા હતા. નોંધનીય બાબત એ પણ છે કે કોંગ્રેસે સત્તા તો ગુમાવી પણ સતત બેઠકો અને લીડ પણ વધતી જ રહી છે. દોઢ વર્ષ અગાઉ પાલિકાની ચૂંટણીમાં જ્યાં 52માંથી 1 બેઠક મેળવી તો આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રેકર્ડબ્રેક 71 હજારથી વધુ લીડથી હારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.