નવસારી જિલ્લામાં લગભગ સાડા પાંચ લાખ લોકોએ પહેલો ડોઝ લીધા બાદ હવે બીજો ડોઝ પણ 2 લાખથી વધુએ લઈ લીધો છે. 16 જાન્યુઆરી 2021થી નવસારી જિલ્લામાં કોવિડ રસીકરણ અભિયાન શરૂ થયું હતું. આ અભિયાન દરમિયાન મંગળવાર સુધીમાં કુલ 5.47 લાખથી વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. એટલું જ નહીં 2.01 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. 18થી 44 વર્ષ વચ્ચેના યુવાનોમાં મહત્તમ લોકોનો બીજો ડોઝ બાકી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે જિલ્લામાં વધુ 7694 જણાંએ રસી લીધી હતી. જેમાં 7233 જણાંએ પહેલો ડોઝ અને 461 જણાંએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1993, જલાલપોરમાં 1174, ગણદેવીમાં 1444, ચીખલીમાં 1372, ખેરગામમાં 507 અને વાંસદા તાલુકામાં 1204 જણાંએ રસી લીધી હતી. 18થી 44 વર્ષ વચ્ચેના 5400થી વધુએ રસી લીધી હતી.
જિલ્લામાં 1682 સગર્ભાને વેક્સિનેશન
રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિક મુજબ સગર્ભાને રસીકરણ ઝૂંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઈ-મમતામાં નોંધાયેલ 6386 સગર્ભા પૈકી 1682ને કોવિડ રસીકરણથી આવરી લેવામાં આવી છે. આમ 27 ટકા જેટલી સગર્ભા મહિલાને રસીકરણ કરી નવસારી જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.