નવસારી જિલ્લાના ખેડૂતોએ બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવાને લઇને જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા ગાઈલાઈન બહાર પાડવામાં આવી હતી. ખેતીમાં જરૂરી જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ થવાની ઘટના નવસારીમાં બનવા પામી હતી. જેમાં સરકારી અધિકારીઓ દ્વારા જંતુનાશક દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલતાં તે નિષ્ફળ ગયાં છે.
આગામી ચોમાસાની ઋતુમાં ગુણવત્તાસભર અધિકૃત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામક ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) સુરત વિભાગ દ્વારા જિલ્લા સ્ક્વોડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત નવસારી જિલ્લામાં તા. 26 મેથી તા. 28મી મે, 2022 દરમિયાન 74 ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતાં બિયારણના 8, ખાતરના 1 અને જંતુનાશક દવાઓનો 1 નમૂનો લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો. તેમજ બિયારણમાં 2 નોટીસ, રાસાયણિક ખાતરમાં 1 અને જંતુનાશક દવાઓમાં 2 નોટીસ આપી બિયારણના આશરે રૂ. 81.12 લાખ, ખાતરના રૂ. 14.43 લાખ અને જંતુનાશક દવાઓના રૂ. 0.51 લાખના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું.
ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોની કાળજી રાખવી એ સમયની માંગ બની છે. બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરાવવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. ઉપરાંત સૂચવવામાં આવ્યું છે કે રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી જોઈએ, નહિતર ખેત પેદાશોમાં તેની સીધી અસર દેખાશે.
જાહેર સરકારી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વેપારીઓ પાસે લાયસન્સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ અને બિયારણના કિસ્સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું. તેમજ બીલમાં દર્શાવેલી વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્ય કરી લેવી તેવી અપીલ જાહેર સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામક( વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.