શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની ખુબ માંગ રહે છે, ત્યારે નવસારીમાં એક તરફ ઠંડીની સાથે વાદળછાયું વાતાવરણ રહેતા શાકભાજીના પાકોમાં જીવાતજન્ય રોગ થવાથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ કેટલાય ખેડૂતોને શાકભાજીમાં બમ્પર પાક થયો છે, પણ APMC માં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યુ છે.
ખેડૂતોએ દવાનો છંટકાવ કરી પાક બચાવ્યો પણ ગુણવત્તા પર અસર
નવસારી જિલ્લામાં શિયાળામાં ખેડૂતો ફ્લાવર, રીંગણ, કોબીજ સહિત વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં ઉત્પાદન લેતા હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતું વાતાવરણ ખેડૂતોની સ્થિતિ બગાડી રહ્યુ છે. ગત 10 દિવસોથી ઠંડી ઓછી પણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેતા અને રાત્રે ઠંડી સાથે ભેજ પડવાને કારણે શાકભાજી પાકોમાં જીવાત પડી ગઇ છે. જીવાતજન્ય રોગને કારણે તૈયાર પાકમાં નુકસાની થવાની સંભાવનાને જોતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરી પાક બચાવ્યો તો ખરો, પણ તેની ગુણવત્તા પર અસર જોવા મળી છે. જેને કારણે ખર્ચો કર્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોએ નુકસાની વેઠવી પડી રહી છે.
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન
રીંગણા, કોબી, ભીંડા, ફ્લાવર, ટામેટા, જેવા છોડવાવાળા શાકભાજીમાં સારૂ ઉત્પાદન જોવા મળ્યું છે. રોજના હજારો કિલો શાકભાજી APMCમાં આવી રહ્યુ છે, પણ ખેડૂતોને વધુ ઉત્પાદનને કારણે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ફ્લાવર, રીંગણ બજારમાં 120 થી 200 રૂપિયે મણ વેપારીઓ ખરીદી રહ્યા છે, એટલે 6 થી 10 રૂપિયા કિલો વેંચાઈ રહ્યા છે, એજ શાકભાજી ગ્રાહકોને 30 થી 40 રૂપિયે કિલો મળી રહ્યું છે. જેથી ખેડૂત 90 દિવસ મહેનત કરી શાકભાજી ઉગાડે, સારૂ ઉત્પાદન મળે, પણ યોગ્ય ભાવ નથી મળતો જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે છે.
બદલાતું વાતાવરણ સાથે વધુ ઉત્પાદન થતા ઓછા ભાવ ખેડૂતને આર્થિક ફટકો મારી જાય છે. ખેડૂતો પોતાનું ઉત્પાદન સીધુ બજારમાં વેચી શકે અથવા જ્યાં માંગ હોય ત્યાં જથ્થો પહોંચી શકે એવી વ્યવસ્થા સરકાર ઉભી કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.