નોટિસ:નવસારીમાં 60 હજારથી વધુ મિલકત ધારકોને પાલિકાના બાકી વેરાની નોટિસ આપવાની શરૂ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં વેરો નહીં ભરાય તો કડક પગલાંની ચીમકી અપાઇ, 1 જાન્યુઆરીથી નોટિસો ઈશ્યુ કરવા માંડી

નવસારી શહેરમાં 31 ડિસેમ્બર સુધીમાં વેરો નહીં ભરનાર 60 હજારથી વધુ મિલકતધારકોને પાલિકાએ નોટિસ આપવાનુ શરૂ કર્યું છે. નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં 1.31 લાખ જેટલી મિલકતો આવેલી છે,જેમાં રહેણાંક ઉપરાંત કોમર્શિયલ,ઔદ્યોગિક મિલકતોનો પણ સમાવેશ થાય છે. પાલિકાએ આ મિલકતધારકોને વેરા બીલ ઇસ્યુ કરી 31 ડિસેમ્બર સુધીમાં વેરો ભરવા તાકિદ કરી હતી, જેમાં 67500 હજાર જેટલી મિલકતોનો વેરો ભરાયો હતો.

જ્યારે 63 હજાર મિલકતોનો વેરો ભરાયો ન હતો, હવે આ વેરો બાકી હોય એવા મિલકતધારકોને નોટિસ આપવાનુ પાલિકાએ શરૂ કર્યું છે. 1 જાન્યુઆરીથી જે નોટિસ ઇસ્યુ થઈ રહી છે, તેમાં મિલકતધારકોને નોટિસ મળ્યે 15 દિવસોમાં વેરો ભરી જવા તાકિદ કરી છે, જો એમ નહીં કરાય તો નળ, ગટર કનેક્શન બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં કેટલાય મિલકતોનો માત્ર ચાલુ 2022-23ના વર્ષનો જ નહીં પણ અગાઉના બે-ત્રણ વર્ષનો વેરો પણ બાકી છે, આવા વધુ વર્ષનો વેરો બાકી હોય તેમના ઉપર આગામી દિવસોમાં તવાઈ આવવાની શક્યતા છે.

67 હજાર મિલકતોને વેરા રાહતનો લાભ
ચાલુ સાલ સરકારના દિશાસૂચન મુજબ પાલિકાએ ઘણો સમય વેરા વળતર સ્કિમનો લાભ આપ્યો છે. અગાઉ કુલ વેરા બીલ ઉપર 10 ટકા સુધી વળતર અપાયું તો છેલ્લા કેટલાક સમયથી મિલકત વેરા ઉપર 10 ટકા વળતર અપાયું છે. હવે રાહત તો મળે નહીં.

હવે શિક્ષણ ઉપકર પર દંડ ભરવો પડશે
31 ડિસેમ્બર સુધીમાં વેરો ભરનારને તો નગરપાલિકાએ વેરામાં રાહત આપી હતી. હવે રાહત તો નહીંં મળે પણ શિક્ષણ ઉપકર જે વેરા બીલમાં આવે છે તેના ઉપર 25 ટકા દંડ ભરવો પડશે.

15 કરોડથી વધુની વસૂલાત પણ..
નવસારી વિજલપોર નગરપાલિકાનું કુલ વેરા માંગણું 26.70 કરોડ રૂપિયા છે, જેમાં 31 ડિસેમ્બર સુધીમાં 15.50 કરોડ વસુલાત થઈ છે. જોકે ગત સાલ આ સમયગાળામાં વસુલાત ઓછી થઈ હતી. વેરા વસૂલાત પણ ગત સાલ 70 ટકા જ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...