આજે સોમવારે સવારે રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. જેમાં નવસારી જિલ્લાનું 66.69 ટકા પરિણામ જાહેર થયું છે. નવસારી જિલ્લામાં 17 હજાર 911 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં જિલ્લાનું 66.69 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાના 330 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 1201 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી પાસ થયા છે.
નવસારીના વાંસદાના દિગેન્દ્રનગર કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 82.35 ટકા, જ્યારે સૌથી ઓછું ખેરગામ કેન્દ્રનું 38.36 ટકા પરિણામ સામે આવ્યું છે. જિલ્લાની 12 શાળાઓનું પરિણામ 100 ટકા, જ્યારે 1 શાળાનું પરિણામ 10 ટકાથી અંદર રહેવા પામ્યું છે.
કોરોના કારણે વિદ્યાર્થીઓની લખવાની આદતમાં ફેરફાર થતાં પરીક્ષામાં સવાલના જવાબ લખવામાં કદાચ મુશ્કેલી આવી હશે. તેના કારણે પરિણામ પ્રભાવિત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પહેલા ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન એમ બેવડી શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નવસારી જિલ્લાનું ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સોમવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. નવસારીમાં ધોરણ-10માં 18217 છાત્રો નોંધાયા હતા. જેમાં A-1 ગ્રેડમાં 330 છાત્રો પાસ થયા છે. જ્યારે A-2માં 1201, B-1મા 2209, B-2માં 3019, જ્યારે C-1માં 3282 અને C-2માં 1813 અને D ગ્રેડમાં 89 છાત્રને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 11945 છાત્રો એક યા વધારે વિષયમાં નાપાસ જાહેર થયા હતા. નવસારીની એબી સ્કૂલના 138 છાત્રો એ-1 ગ્રેડ મેળવતા સૌ છાત્રોને સંચાલકોએ અભિનંદન પાઠવ્યાં હતા. નવસારી હાઈસ્કૂલના 10, ભક્તાશ્રમ શાળાના 5 છાત્રો એ-1 ગ્રેડમાં આવ્યા હતા.
કેન્દ્રનું નામ | પરિણામ |
નવસારી | 77.94% |
અમલસાડ | 77.54% |
બીલીમોરા | 66.20% |
ચીખલી | 60.40% |
ગણદેવી | 63.46% |
ખેરગામ | 38.36% |
મરોલી | 53.42% |
પ્રતાપનગર | 74.49% |
ઉનાઇ | 74.07% |
વાંસદા | 74.11% |
ગણદેવા-ખારેલ | 62.16% |
ધામધૂમા | 63.36% |
દિગેન્દ્રનગર | 82.35% |
લીમઝર | 52.25% |
ચોવીસી | 52.07% |
વિજલપોર | 70.95% |
ફડવેલ | 72.65% |
પીપલખેડ | 68.72% |
આંબાબારી | 63.84% |
નવસારી કેન્દ્રનું સૌથી ઉંચુ, ખેરગામ કેન્દ્રનું નીચું પરિણામ
નવસારી જિલ્લામાં સેન્ટર પ્રમાણે પરિણામ જોવા જઈએ તો નવસારી સેન્ટરનું સૌથી વધુ 77.49 અને ખેરગામનું 38.36 ટકા સૌથી ઓછું નોંધાયું હતું.
ગત વર્ષે નવસારીમાંથી 339 છાત્રોએ A-1 ગ્રેડ મેળવ્યો હતો
નવસારીમાં કોરોના મહામરીમાં પણ એ-1 ગ્રેડમાં 339 છાત્ર આવ્યા હતા અને આ વર્ષે પણ ધોરણ-10ના એ-1 ગ્રેડમાં 330 છાત્રએ બાજી મારી હતી.
100 ટકાવાળી શાળા બે વધી, 0 ટકાવાળી 1 શાળા નોંધાઈ
નવસારી જિલ્લા રાજ્યમાં ધોરણ-10ના પરિણામ માં જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં 13 મો ક્રમ આવ્યો હતો. નવસારી જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં બે શાળાનો વધારો થયો હતો. જ્યારે 0 ટકાવાળી શાળા 1 નોંધાઈ હતી.
નવસારીની વિવિધ શાળાઓના A1 ગ્રેડના છાત્રો
એબી સ્કૂલ નવસારી-138, ડિવાઇન શાળા-18, નવસારી હાઈસ્કૂલ-10, ભક્તશ્રમ નવસારી-5, આર.એન.નાયક સરીખુરદ-4, અખિલ હિદ મહિલા પરિષદના-2, શેઠ આર.જે.જે. શાળા-6, ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ-2
કમ્પ્યૂટર ઇજનેર બનવાની મહેચ્છા
શરૂઆતથી જ મે ઘણી મહેનત કરી હતી. તેમાં મારા શિક્ષક અને મારા વાલીઓનો ખૂબ સાથસહકાર મળ્યો હતો. જ્યારે જ્યારે પણ કોઇ વિષય બાબતે તકલીફ ઉભી થઇ ત્યારે તેઓ હંમેશા મારી પડખે રહ્યા હતા. હવે કમ્પ્યૂટર ઇજનેર બનવાની ઇચ્છા છે. તે માટે પણ પૂરો પ્રયાસ કરીશ. - નીરજ ઉધરેજા, વિદ્યાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.