શિક્ષણકાર્યના શ્રીગણેશ:નવસારી જિલ્લામાં ધોરણ 1 થી 5ના છાત્રોને 20 માસ બાદ શાળાઓ શરૂ થતાં આવકાર અપાયો

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં કોરોના મહામારી બાદ ધોરણ 1થી 5ના વર્ગો 20 માસ બાદ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ હાશકાશો અનુભવી શાળા શરૂ થયાનો સંતોષ માન્યો હતો. સરકાર દ્વારા શાળામાં એસ.ઓ.પીનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી સોંપી છે ત્યારે શાળા દ્વારા ધોરણ 1 થી 5ના ભૂલકાઓને ચોકલેટ અંને કપાળે કુમકુમના તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો. જોકે હજુ પણ શાળામાં 50 ટકા હાજરી અને અંતર જાળવવાનું હોય પ્રથમ દિવસે 27 ટકા વાલીઓએ શાળામાં અભ્યાસ માટે સંમતિ આપી જ્યારે 19 ટકા છાત્રો શાળામાં હાજર રહ્યા હોવાનું શિક્ષણ વિભાગ નવસારીએ માહિતી આપી હતી.

નવસારી જિલ્લામાં સરકારના ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની જાહેરાત થતા દરેક શાળાના આચાર્ય દ્વારા બાળકો નિર્વિઘ્ને અભ્યાસ કરે અને કોરોનાના સંક્રમણથી મુક્ત રહે તે માટે સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની દરેક પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટ વડે મો મીઠું કરવી બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. કોરોના મહામારીના 20 માસ બાદ ધોરણ 1 થી 5ના 89 હજાર છાત્રો હવે ચારદીવાલોમાં આવેલ વર્ગખંડમાં અભ્યાસ કરી પોતાના અભ્યાસનો પાયો મજબૂત કરશે. જોકે પહેલા દિવસે જિલ્લામાં 89 હજાર છાત્રો પૈકી 24,369 જેટલા છાત્રોના વાલીઓએ સંમતિપત્ર શાળામાં જમા કરાવ્યાં હતા. 20 માસ બાદ ધોરણ 1 થી 8ના દરેક છાત્રો શાળામાં અભ્યાસ માટે આવતા શાળા શરૂ થયાનો આનંદ શિક્ષકો અને છાત્રોમાં જોવા મળતો હતો. પોતાની શાળા શરૂ થતાં છાત્રો પણ હોંશે હોંશે શાળામાં આવતા શાળામાં બાળકોનો કિલ્લોલ ગુંજી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...