સહાય:નવસારી જિલ્લામાં પાકને બચાવવા તાબડતોબ નહેરનું પાણી છોડાયું

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરીફ પાકને બચાવવા છોડાયેલું નહેરનું પાણી. - Divya Bhaskar
ખરીફ પાકને બચાવવા છોડાયેલું નહેરનું પાણી.
  • જુલાઇમાં13 દિવસમાં 1 ઇંચ વર્ષાથી ચિંતા વધી
  • વરસાદના અભાવે ખરીફ પાક ઉપર ખતરો હતો

નવસારી પંથકમાં છેલ્લા 13 દિવસમાં માત્ર 1 જ ઈંચ વરસાદ છુટોછવાયો પડતા ખરીફ પાક મુશ્કેલીમાં મુકાયો છે. સિંચાઈ વિભાગને તાબડતોડ પાક બચાવવા નહેરનું પાણી છોડવાની ફરજ પડી છે. જુલાઈની મધ્યમાં સમગ્ર નવસારી જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. જોકે 21 જુલાઈ બાદ માત્ર નવસારી જ નહીં પરંતુ જિલ્લાના મહત્તમ વિસ્તારોમાં વરસાદ વધુ પડ્યો નથી. ઓગસ્ટ મહિનામાં તો લગભગ નહિવત વરસાદ જ પડ્યો છે. નવસારી શહેર તાલુકામાં ઓગસ્ટના 13 દિવસમાં માંડ 1 જ ઈંચ વરસાદ છુટોછવાયો પડ્યો છે.

જલાલપોર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં પણ ખાસ વરસાદ પડ્યો નથી. બીજું કે નજીકમાં વધુ વરસાદ પડે એવી આગાહી પણ નથી જે બાબત ડાંગર સહિતનો ખરીફ પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વરસાદ વિલંબતા જિલ્લામાં ડાંગર સહિતના ખરીફ પાક ઉપર ખતરો ઉભો થયો છે.

ઉભા પાકને બચાવવા ઠેર ઠેરથી સિંચાઈ વિભાગ નહેરનું પાણી છોડે એવી રજૂઆતો થઈ છે, જેને લઈ નહેરનું પાણી હાલ તાબડતોડ ખરીફ પાકને બચાવવા અપાઈ રહ્યું છે, જેનાથી રાહત થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, આમ તો નહેરના પાણીનું હાલ રેગ્યુલર રોટેશન ન હતું, પરંતુ ખરીફ પાક માટે સિંચાઇ વિભાગે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

જિલ્લામાં 90 ટકા ખરીફ વાવેતર પૂર્ણ
નવસારી જિલ્લામાં ચાલુ સાલ 13 ઓગસ્ટ સુધીમાં 51139 હેકટરમાં ખરીફ વાવેતર થયું છે, જે દર સાલ કરાતા વાવેતરના 90 ટકા થઈ ગયું છે એમ કહી શકાય. જે વાવેંતર થયું છે તેમાં ડાંગરનું જ 45099 હેકટરમાં વાવેતર થયું છે. જે વાવેતર બાકી છે તેમાં સૌથી વધુ વાંસદા તાલુકાનું જ 4 હજાર હેકટરનું તો બાકી છે. અહીં ઉલ્લેખનિય છે કે વાવેતર તો થઈ ગયું પરંતુ હવે પાક માટે હવે વરસાદની રાહ જોવાઇ છે.

જ્યાં નહેરની સગવડ નથી ત્યાં મુશ્કેલી
આમ તો નહેરના પાણીની જ્યાં સગવડ છે ત્યાં પાકને ફાયદો થશે એ નક્કી છે પણ જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં નહેરના પાણીની સગવડ નથી અને વરસાદ આધારિત જ પાક ચોમાસામાં લેવાય છે ત્યાં મુશ્કેલી છે.

નહેરના પાણીથી પાકને ફાયદો થયો
હાલ વરસાદ વિલંબતા ડાંગર સહિતના ખરીફ પાકને મુશ્કેલી ઉભી થઇ રહી હતી એ વાત સાચી છે, જોકે નહેરનું પાણી છોડતા પાકને જરૂર ફાયદો થયો છે. > દિલીપ રાયકા, અગ્રણી ખેડૂત, મરોલી વિસ્તાર

અન્ય સમાચારો પણ છે...