વીજ મહોત્સવ:નવસારી જિલ્લામાં 5 વર્ષમાં 8456 લાભાર્થીઓને ઘર વપરાશના વિનામૂલ્યે વીજ જોડાણો અપાયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજીટલ બનાવ્યું છે : જિ.પં.પ્રમુખ

નવસારી રામજી મંદિર ટ્રસ્ટ હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવનું આયોજન ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઊર્જા મંત્રાલય દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગથી ઉજવણી કરવા અને ઉજ્જવલ ભારત ભવિષ્ય પાવર @2047 ની વડપણ હેઠળ પાવર સેકટરની મુખ્ય સિદ્ધિઓ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરના અધ્યક્ષસ્થાને તેમજ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલની ઉપસ્થિતિ યોજાયો હતો. સરકારની વિદ્યુતક્ષેત્રેની અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી પહોચાડવામાં માટે વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે .

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરે જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં 24 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો હતો. વીજળીના લીધે ખેતીની આવકમાં વધારો થયો છે. અવિરત વીજ પ્રવાહના લીધે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા જ અભ્યાસ અને ભરતી પરીક્ષાની તૈયારી કરીને પોતાનું અમૂલ્ય ભવિષ્ય ઘડી રહ્યા છે. સરકારે વીજ વિતરણનું માળખું મજબૂત અને ડિજીટલ બનાવ્યું છે .

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે વીજળી વિભાગના કર્મચારીઓ રાત દિવસ મહેનત કરીને લોકોને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે . કલેકટરે પૂરની કપરા સંજોગોમાં DGVCLના કર્મચારી દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.

ગરીબ વીજ ગ્રાહકોને વિનામૂલ્યે વીજળીકરણ યોજના અને કુટિર જ્યોતિ અને ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં આ બન્ને યોજના હેઠળ 8456 ગરીબ લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભક્તાશ્રમ શાળા નવસારીના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એવું DGVCLના કર્મચારી દ્વારા વીજળી બચાવવાના સંદેશો પાઠવી શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેને મહાનુભાવો અને શહેરીજનોએ પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...