કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં 4 કેસ પોઝિટિવ આવતા ફરીવાર ચિંતાજનક સ્થિતિ બની, એક્ટિવ કેસની સંખ્યા 8 પર પહોંચી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે વધુ બે વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત બની

નવસારી જિલ્લામાં છેલ્લા અનેક સમયથી સતત કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પણ આજે અચાનક કોરોનાના ચાર કેસ પોઝિટિવ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 8 પર પહોંચી છે. હાલમાં જ્યારે નોરતા શરૂ થયા છે ત્યારે કોરોના કેસની સંખ્યા ન વધે તેની માટે તંત્ર સજ્જ બન્યું છે.અને જિલ્લા વહીવટી તંત્રએ લોકોને સંયમિત બનીને તહેવાર ઉજવવા અપીલ કરી છે.જિલ્લામાં નોંધનીય બાબત સાબિત થઈ છે કે કોરોના કેસમાં વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. જે પૈકી આજે ફરીવાર બે વિદ્યાર્થિની સંક્રમિત થઈ છે, જેમાં એક 14 વર્ષીય અને 17 વર્ષીય એમ 2 વિદ્યાર્થિનીઓ સંક્રમિત થતા જિલ્લામાં 12 થી લઈને 18 વર્ષના યુવાનોનું વેક્સિનેશન શરૂ થાય તેવી આશા તંત્ર પાસે લોકો રાખી રહ્યા છે. આ સમગ્ર મામલે આરોગ્ય તંત્રને શિક્ષણ વિભાગ વધુ એલર્ટ બન્યું છે. આગામી સમયમાં દિવાળીની રજાઓ આવી રહી છે ત્યારે શાળાઓમાં રજા આવતા કોરોના કેસ ઘટે તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં ઝડપી બનેલા વેક્સિનેશનને લઈને કોરોના કેસ ઘટાડવામાં મદદ મળી છે પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે. જેને લઇને અત્યાર સુધી કુલ પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે જેના ભાગરૂપે આજે બીજા અન્ય બે કેસ સામે આવતાં વાલીઓમાં ચિંતા વ્યાપી છે.

નવરાત્રિમાં વધુ તકેદારી જરૂરી
ગુરૂવારથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તેથી લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવશે. બીજુ કે 18 વર્ષથી નીચેની વયના છોકરાઓને હજુ સુધી રસી અપાઇ નથી. આ સ્થિતિમાં નવરાત્રી દરમિયાન વધુ તકેદારી રખાય એ જરૂરી બન્યું છે.

બીજો ડોઝ હજુ અડધો અડધ લોકોનો બાકી
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ રસીકરણને વેગ મળ્યો છે. 18 વર્ષથી ઉપરની વયના રસી પાત્રતા ધરાવતા 10.32 લાખ લોકો છે જેમાંથી 8.96 લાખ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે અને 87 ટકા જેટલું પહેલા ડોઝનું રસીકરણ પુરૂં થઈ ગયું છે. જોકે 5.23 લાખ લોકોએ જ બીજો ડોઝ લીધો છે. આમ બીજો ડોઝ અડધોઅડધ લોકોનો બાકી છે એમ કહીં શકાય.

છેલ્લા 18 કેસમાં અડધા વિદ્યાર્થીઓ
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 18 વર્ષથી ઓછી વયના છોકરાઓ વધુ પોઝિટિવ બન્યા છે. જેઓ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. 18મી સપ્ટેમ્બર બાદના 19 દિવસોમાં જે કુલ 18 કેસ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયા છે.તેમાં 9 જેટલા કેસ (અડધા) તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના છે, જે ચિંતાજનક છે.

બેમાંથી એક છોકરી બીલીમોરામાં ભણે છે
ગુરૂવારે નોંધાયેલ 4 કેસમાં એક ગણદેવીની 14 વર્ષીય વિદ્યાર્થિની છે, જે બીલીમોરાની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થિની ટેનિસની ટુર્નામેન્ટ રમવા જનાર હતી અને તેથી કોવિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય ચીખલી તાલુકાના ખાંભડાની 17 વર્ષની છોકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં એક્ટિવ કેસ વધી 8 થયા
ગુરૂવારે કોરોનાના નવા 4 કેસ તો નોંધાયા પરંતુ સારવાર લેતો દર્દી રિકવર થયો ન હતો. જેથી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 થઈ ગઈ હતી. આ તમામ 8 દર્દી હાલ તો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં કોઇ દર્દી સરવાર લઇ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...