તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ સુરક્ષા:નવસારીમાં પ્રથમ 192 દિવસમાં દરરોજ સરેરાશ 3364ને રસી, છેલ્લા 30 દિવસમાં રોજ 10800ને

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે કોવિડ રસીકરણ બુલેટ ગતિએ, ઝડપ જળવાઇ રહે તો ઓક્ટોબર સુધીમાં મહત્તમ રસીકરણ પૂર્ણ થશે

નવસારી જિલ્લામાં છેલ્લા મહિનામાં રસીકરણ બુલેટ ગતિએ થયું છે. દરરોજ સરેરાશ 10 હજારથી વધુ લોકોને રસી છેલ્લા 30 દિવસમાં અપાઈ છે. જો રસીકરણની ગતિ જળવાઇ રહી તો ઓકટોબર સુધીમાં મહત્તમ રસીકરણ પૂર્ણ થઇ જશે.નવસારી જિલ્લામાં પણ દેશના અન્ય ભાગોની સાથે 16 જાન્યુઆરીથી કોવિડ રસીકરણ શરૂ કરાયું હતું.શરૂઆતમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવાની શરૂઆત થયા બાદ ક્રમશઃ 60+,45+ અને 4 જૂનથી 18થી 44 વય વચ્ચેના લોકોને રસી આપવાની શરૂઆત કરાઈ હતી.

રસીકરણને 7 મહિનાથી વધુ સમયથી ગયો છે. શરૂઆતના સમયમાં ડોઝ અપૂરતા મળતા રસીકરણની ગતિ ધીમી હતી, જોકે છેલ્લા મહિનામાં રસીકરણની ઝડપ ખૂબ વધી ગઈ છે.27 ઓગસ્ટ સુધીની આંકડાકીય વિગત જોઈએ તો રસીકરણના પ્રથમ 192 દિવસમાં કુલ 6.46 લાખ ડોઝ મુકવામાં આવ્યા હતા અને રોજ સરેરાશ 3364 જણાને રસી અપાઈ હતી. જોકે છેલ્લા 30 દિવસમાં જ 3.2 5 લાખ ડોઝ આપી દેવાયા છે અને રોજ સરેરાશ 10,800થી વધુને રસી અપાઈ છે એમ કહી શકાય.

બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા મહિનામાં ભારે વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 18 વર્ષની ઉપરના લોકો 10.32 લાખ જેટલા રસી માટે પાત્રતા ધરાવે છે. જેના બે ડોઝ 20.64 લાખ થાય છે. હાલ સુધીમાં 10 લાખ નજીક રસીકરણ થઈ ગયું છે. જો હાલની ગતિ મુજબ રસીકરણ થાય તો ઓક્ટોબર સુધીમાં બન્ને ડોઝનું 80 ટકા(મહત્તમ) રસીકરણ થઈ જશે.

43 ગામોમાં 100% રસીકરણની સિદ્ધિ
છેલ્લા મહિના દરમિયાન રસીકરણની ઝડપ વધતા જિલ્લામાં વધુને વધુ ગામોમાં 100 ટકા રસીકરણ થઈ રહ્યું છે. 1 મહિના અગાઉ જિલ્લામાં 13 જેટલા ગામમાં જ 100 ટકા રસીકરણ થયું હતું,જેમાં છેલ્લા મહિનામાં 30 વધુ ગામો જોડાયા છે અને હાલ સુધીમાં 43 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે. આટ, અબ્રામા અને દાંડી પી એચ સીમાં મહત્તમ રસીકરણ થયું છે. અનેક ગામોમાં 90 ટકાથી વધુને પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે.

રસીકરણ જોરમાં, 10 દિવસથી કોરોનાનો કોઇ જ કેસ નહિ
નવસારી જિલ્લામાં હાલના દિવસોમાં કોવિડ રસીકરણ જ્યાં વધ્યું છે ત્યાં કોવિડ કાબુમાં આવ્યો છે અને 3 દિવસથી તો જિલ્લો એક પણ એક્ટિવ કેસ ન હોય કોરોનામુક્ત રહ્યો છે. છેલ્લા મહિનામાં જિલ્લામાં સરકારી ચોપડે 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં છેલ્લા 10 દિવસમાં તો કોઈ કેસ નોંધાયો નથી.

71 ટકાનું પહેલો ડોઝનું રસીકરણ પૂર્ણ
નવસારી જિલ્લાની વસ્તી અંદાજીત 15 લાખ જેટલી છે, જેમાં 18 વર્ષ ઉપરના રસીકરણ પાત્રતા ધરાવતા 10.31 લાખ છે. આ રસીકરણ પાત્રતા ધરાવતા લોકોમાંથી 71 ટકાએ પહેલો ડોઝ અને 37 ટકાએ બીજો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...