તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પરમો ધર્મ:નવસારીમાં 20 યુવાનની ટીમ દર્દીઓને ભોજન પહોંચાડે છે, સ્વજનો સાથે વીડિયો કોલથી વાત કરાવી આપી રહ્યાં છે હૂંફ

નવસારી3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • જીવદયાની ધૂણી સતત ધખે છે

નવસારી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષથી કોવિડ હોસ્પિટલ બનાવી છે. આ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતાં સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકો વિનામૂલ્યે કોવિડ કેરમાં સેવા આપવા આવી રહ્યા છે. સેવા કરવા આવતા સ્વયંસેવકો કોઈપણ જોખમ લેવા તૈયાર છે. મહામારીમાં ઘરે રહો સુરક્ષિત રહો.. પણ જેમનું કોઈ નથી તેવા કોરોના દર્દીઓના સ્વજનો બની આ યુવાનો મૂકસેવા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર વિભાગમાં દર્દીઓની સેવા કરવા માટે વિજલપોરના સેવાભાવી મહાદેવ નાયક, કબીરગીરી સહિત યુવાનો છેલ્લા 25 દિવસથી સેવા કરી રહ્યાં છે.

સિવિલના કોવિડ વિભાગમાં વિવિધ તાલુકાના ગામો તથા શહેરના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીં આવતા દર્દીઓને નાસ્તો, જમવાનુ તથા જ્યુસ એમના બેડ સુધી પહોંચાડવાની સેવા તેમજ કોવિડના કારણે જેમનુ મૃત્યુ થયું હોય અને આવશ્યકતા હોય તો એમની અંતિમક્રિયા કરવાની સેવા નવસારીના 20 યુવાનોની ટીમ દ્વારા રાત-દિવસ કરવામાં આવી રહી છે.

સ્વયંસેવક મહાદેવ નાયકે જણાવ્યું કે સંપૂર્ણ સમાજ એ આપણો પરિવાર છે, એ ભાવનાથી આપણે પણ આજુબાજુના શેરી-મહોલ્લામાં સૌ સેવાવ્રતી બની સમાજમાં યથાશક્તિ યોગદાન આપી માનવતાનો ધર્મ બજાવીએ. અમારા પરિવારનો આભાર માનીએ એટલો ઓછો છે.

દર્દી ઘરનાને કહે છે, સાજો થઇને જલદી ઘરે આવીશ
નવસારી સિવિલના કોવિડ વિભાગમાં દાખલ થયેલા ઘણાં દર્દીઓ પાસે સ્માર્ટ ફોન નહીં હોય જેથી તેઓ સારવાર દરમિયાન પણ પરિવારની જ ચિંતા કરતા હોય છે. આ સ્થિતિમાં સ્વયંસેવક તેમના ફોન વડે કોવિડ દર્દીઓને વીડિયો કોલિંગ દ્વારા સ્વજનો સાથે વાતો કરાવે છે. દર્દીઓ પોતાના સ્વજનોને સારા થઈને ઘરે વહેલા આવશે તેવી હૈયાધરપત પણ ફોન પર આપતા હોય છે. ઘણા કિસ્સામાં ફોન પર રૂબરૂ વાત કર્યા બાદ તેઓ દુનિયા પણ છોડી દેતા હોય છે તેવી ઘટના બનતા સ્વયંસેવકોની આંખ ભીની થઈ જાય છે. - કબીરગીરી, સ્વયંસેવક

મૃતકના સ્વજનોનું આક્રંદ ભલભલાને રડાવી દે છે
કોરોના મહામારીમાં સેવા આપતા ઘણા એવા કિસ્સા બન્યા છે, જેમાં નાની વયના કોરોના દર્દીનું મૃત્યુ થયા હોય તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે આવતા હોય છે ત્યારે દર્દીઓની સાથે જે પણ કિંમતી કે અમુક વસ્તુઓ હોય છે જેને સેનેટાઈઝ કરીને મૃતકના સ્વજનો આપવામાં આવે છે. જે વસ્તુઓને જોઈ સ્વજનોનું આક્રંદ ભલભલાને રડાવી મૂકે છે. દરરોજ મૃત્યુ થતા જોઈએ પણ નાની વયના દર્દીના મૃત્યુ વખતે તેમના સ્વજનોના રુદનથી કાળજુ કઠણ કરીએ તો પણ આંખમાંથી આંસુ સરી પડે છે. - મહાદેવ નાયક, સ્વયંસેવક

અન્ય સમાચારો પણ છે...