નવસારી નજીકના ગામમાં રહેતા એક પરિવારમાં પારણું બંધાતા હર્ષોલ્લાસની લાગણી પ્રસરી ગઇ હતી. પણ, સાતમા માસે માત્ર 740 ગ્રામ વજન સાથે શિશુ જન્મ પામતાં માતા અનિતાબેન (નામ બદલ્યું છે) તેમજ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યા હતાં. નવસારી એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં બાળક અધૂરા માસે જન્મેલ હોવાથી સ્થાનિક તબીબો માટે પણ તેમની કાળજી રાખી સ્વસ્થ જીવન માટે સારવાર આપવી પડકારજનક હતી. જેના માટે બાળકને તબીબોએ સતત 75 દિવસ સુધી સઘન સારવાર આપી નવજીવન આપ્યું છે. લાંબી સારવાર બાદ બાળકીના સુધરેલા સ્વાસ્થ્યથી ભાવવિભોર થયેલી માતા અનિતાબેન કહે છે કે, મારી દીકરી અધુરા મહિને જન્મી હતી. જેના પરિણામે અમે સતત 75 દિવસ સુધી નવસારી ખાતેની એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે રહ્યાં હતાં. એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં મારી અને મારી દીકરીની સારી સારસંભાળ રાખવામાં આવી હતી. સાથે અમને સારુ ભોજન અને કાળજીપૂર્વકના સ્તનપાન અંગે માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દવાઓ પણ આપી હતી. સઘન-શિશુ સારવાર કેન્દ્ર/સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (S.N.C.U.)ના ઈન્ચાર્જ અને પિડિયાટ્રીકસ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. આશા ચૌધરી જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો ‘વેરી લો બર્થ વેઈટ’ની કેટેગરીમાં સ્થાન પામે છે. બાળક અધુરા માસે જન્મેલ અને વજન પણ 740 ગ્રામ હોવાથી અનેક પ્રકારની જટિલતાઓ જેવી કે ફેફસાં અને મગજનો અપૂરતો વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ નહિવત હોવાના લીધે બાળકને “સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (S.N.C.U.)” ખાતે રાખી સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. બાળકીની માતા અનિતાબેનને સિકલ સેલની બિમારી હોવાથી માતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આવી વિકટ પરિસ્થતિમાં સુનીતાબેનના માતાએ બાળકીને લઈને કાંગારૂ મધર કેરમાં બેસતા અને બાળકીને માતાની હૂંફની કમી પૂરી કરી હતી. શરૂઆતના દિવસમાં કલાકો સુધી બાળકીને તેની નાનીએ હૂંફ આપી હતી. ત્યારબાદ માતાની તબિયત સારી રહેતા માતાએ પણ કાંગારૂ મધર કેરમાં બેસતા હતા.
બાળ રોગ વિભાગના વડા અને પિડિયાટ્રીકસ અને ડૉ.આશા ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ડૉક્ટરની ટીમ અને સ્ટાફ નર્સની દેખરેખ અને સારવારના પરિણામે 24 ઓક્ટોબર 2022ના રોજ જન્મેલી બાળકીને 6 જાન્યુઆરી 2023ના રોજ જન્મના 75માં દિવસે 1.320 કી.લો વજન સાથે રજા આપવામાં આવી હતી. હવે બાળકી સ્વસ્થ થઈ માતાનું સ્તનપાન પણ કરી શકે છે. નવસારી એમ.જી.જી. જનરલ હોસ્પિટલમાં અનિતાબેનની બાળકીની સફળ સારવાર એ વધુ એક સફળ કિસ્સો છે કે જયાં અધુરા માસે જન્મેલ અને ઓછા વજન ધરાવતું બાળક ત્વરિત અને યોગ્ય સારવાર થકી વિકટ સંજોગોમાં પણ સ્વસ્થ થઇ શક્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.