વિવાદ:નવસારીમાં 'આપ'ના કાર્યકરે જૈન મુનિ વિષે અભદ્ર ટિપ્પણી કરતાં ફરિયાદ નોંધાઇ, પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

નવસારીએક મહિનો પહેલા

નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકર દ્વારા જૈન મુનિની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં રાત્રે જ જૈન આગેવાનો ટાઉન પોલીસ મથકે પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વીડિયોના કૉમેન્ટ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા
જૈન મુનિ સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા વીડિયોમાં કહી રહ્યા છે કે, ભારતીય લોકો મહેનત કરે છે. તેમને મફતનું કંઈ પણ ન ખપે. જેથી કેજરીવાલ અને મફતની રાજનીતિથી લોકોએ બચવું જોઈએ. આ પ્રકારના ભાષણ પર આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકરે જૈન મુનિને અભદ્ર ટિપ્પણી કરવા સાથે મહિલાઓના આંતરવસ્ત્ર પહેરવાની સલાહ આપતા આ વીડિયોના કૉમેન્ટ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગીશા સહિત જૈન સમાજના આગેવાનો ટાઉન પોલીસ સ્ટેશનને પહોંચીને આપ કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.

આપના કાર્યકરે સવારે પલટી મારી
આપ કાર્યકરને કાયદાકીય ફરિયાદ થવાની ગંધ આવતા સવારે પલટી મારી હતી અને પોતાનું facebook એકાઉન્ટ હેક થઈ હોવાની વાતો કરી હતી. જોકે ભાજપ મીડિયા સેલ આ સમગ્ર મુદ્દાને લઈને હવે આક્રમક મિજાજમાં આવી ગયું છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકર એ જૈન સાધુ વિરુદ્ધ બીભત્સ ટિપ્પળી કરતા 24 કલાકમાં જ આમ આદમી પાર્ટીએ તેમની ટિપ્પળીથી છેડો ફાડ્યો હતો અને આ વ્યક્તિગત નિવેદન હોવાની વાત કરી હતી. સાથે જ પાર્ટીમાંથી પણ કાર્યકરને પાણીચું આપવામાં આવ્યું હતું, સંગઠન મહાસચિવ મનોજ સોરઠીયાએ પત્ર દ્વારા જણાવ્યું કે, પાર્ટી આવા પ્રકારના કૃત્ય સામે વાંધો ઉઠાવે છે. સાધુ-સંતો સહિત ધાર્મિક લાગણી દુભાવવા બદલ કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...