નવસારીમાં પાડોશીઓએ યુવતીના ફ્લેટમાં જબરદસ્તી પ્રવેશ મેળવી તેણીને ગાળો આપી મૂઢમાર માર્યો હતો. ઉપરાંત તેણી સાથે દુષ્કર્મ આચરવાની પણ કોશીશ કરતાં યુવતીએ ટાઉન પોલીસ મથકમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
નવસારીના તીઘરા વિસ્તારમાં રહેતી ફરિયાદી યુવતી એલ.એલ.એમનો અભ્યાસ કરે છે અને છુટાછેડા થયા બાદ એકલા જ પોતાના મકાનમાં રહે છે. ત્યારે છેલ્લા અનેક દિવસોથી યુવતી અને એપાર્ટમેન્ટમાં રહેતા તેમના પાડોશીઓ વચ્ચે પાર્કિંગના મામલે બોલાચાલી અને ખટરાગ ઉભો થયો હતો. જેમાં ગઈકાલે શનિવારે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
યુવતીએ ટાઉન પોલીસ મથકમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેઓ 7મી ડિસેમ્બરે રાત્રે 11 વાગ્યે ઘરમાં સુતા હતા. ત્યારે કોઈકે ફ્લેટનો દરવાજો ખખડાવતા ખોલીને જોતા અનિલ, સંજય, રવિ કહાર, હિતેશ મકવાણા તથા અન્ય બે ઈસમો જેમને યુવતી ચહેરાથી ઓળખે છે તેમણે જબરદસ્તી દરવાજાને ધક્કો મારીને ઘરમાં પ્રવેશ મેળવીને યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. ઉપરાંત અન્ય યુવાનોએ ગાળો આપી મૂઢમાર માર્યો હતો, તેમજ ફરીવાર મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ કુલ 9 પુરુષ અને મહિલાઓ સામે પોલીસ ફરિયાદ આપી હતી. જેને લઈને હાલમાં યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ટાઉન પોલીસ મથકના અધિકારી ડી.એન.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સમગ્ર કેસમાં તપાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે પાર્કિંગના મામલે થયેલી બોલાચાલીના સમયે યુવતીએ બે વાર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી, જેમાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના યુવતીએ આક્ષેપો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.