સરપંચના તાજનો મંગળવારે ફેંસલો:નવસારીમાં 269 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 79.09 % , જ્યારે ડાંગમાં 36 ગ્રા.પંચાયતમાં અંદાજે 77.51% મતદાન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરે અને ચૌકે એક જ પંચાયત, કોનું મંગળ થશે?
  • વર્ષ 2016માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો સમય હાલ કરતા 2 કલાક ઓછો હોવા છતાં 80.96 ટકા મતદાન થયું હતું

નવસારી જિલ્લામાં કોવિડના ભય છતાં રવિવારે 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 79.09 ટકા મતદાન થયું હતું.ગત વખતે 80.96 ટકા મતદાન થયું હતું. નવસારી જિલ્લામાં 268 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 1 પંચાયતમાં પેટાચૂંટણી માટે રવિવારે સવારે 7 વાગ્યાથી 756 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું હતું.પ્રથમ 2 કલાકમાં 10 ટકા જેટલું મતદાન સરેરાશ થયા બાદ ગતિ પકડી હતી અને સાંજે 5 વાગ્યા સુધીમાં 72.45 ટકા થઈ પણ ગયું હતું. મતદાનનો નિર્ધારિત સમય 6 વાગ્યે પૂરો થયો ત્યાં સુધીમાં 79.09 ટકા મતદાન થયું હતું.

6 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન વાંસદા તાલુકામાં 85.27 ટકા અને સૌથી ઓછું ગણદેવી તાલુકામાં 72.46 ટકા થયું હતું. 5 વર્ષ અગાઉ આજ ગ્રામ પંચાયતોમાં સરેરાશ 80.96 ટકા મતદાન થયું હતું. આ વખતે કોવિડનો ભય હોવા છતાં અંદાજે મતદાન થયું હતું.જોકે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનનો સમય 2 કલાક વધુ રાખવામાં આવ્યો હતો,જે પણ મતદાન વધારવામાં સહાયભૂત રહ્યો હતો.

જે મતદાન થયું તેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં પુરુષ કરતા સ્ત્રીઓના મતદાનની ટકાવારી વધુ રહી હતી. 6 વાગ્યા સુધીમાં જ્યાં પુરુષનું 79.13 ટકા હતું ત્યાં સ્ત્રીઓનું 79.04 ટકા થયું હતું. મતદાન વેળા કોઈ મોટો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. હવે ચૂંટણી માટે 21મીને મંગળવારે મત ગણતરી થશે.

4661 ઉમેદવારોનું ભાવિ સીલ
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 4661 ઉમેદવારો રેસમાં હતા. જેમાં સરપંચ પદ માટે 744 ઉમેદવારો અને વોર્ડ સભ્ય પદ માટે કુલ 3917 ઉમેદવારો રેસમાં હતા. આ ઉમેદવારો માટે રવિવારે થયેલ મતદાન મતપેટીમાં સીલ થઇ ગયું હતું. જેનો ફેંસલો મંગળવારે થનાર મતગણતરી બાદ જ થશે.

વંકાલમાં પ્રચારનો બલુન ઉતારી લેવાયો
ચીખલી તાલુકાના વંકાલ ગામમાં પ્રચાર માટે લગાવાયેલ બલુન વિવાદનું કારણ બન્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી તંત્ર દ્વારા લાપરવાહીના કારણે ચૂંટણીના દિવસે વહેલી સવાર સુધી આ બલુન હવામાં લટકતો રહ્યો હતો. જોકે, આ ઘટનાની જાણ થતાં જ ઉમેદવારના સમર્થકોએ તેને ઉતારી લઇ ઘટનાનું પીલ્લુ વાળી દીધું હતું, પણ તંત્ર દ્વારા આચારસંહિતા ભંગની કાર્યવાહી કરાઇ ન હતી.

બુથ ઓછા હોવાથી સમય ઘટ્યો
નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ લોકો મતદાન મથકે પોતાનો કિંમતી મત આપવા બુથ પર પહોંચ્યા હતા. સવારથી જ મતદારોની લાઇન લાગી હતી. જેને લઇ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, કેટલીક જગ્યાએ બુથ ઓછા પડતા મોડી સાંજ સુધી મતદાન ચાલ્યું હતું. વાંસદાના વાંસદા શહેરમાં વડલી પ્રાથમિક શાળામાં મતદાનનો સમય 6 વાગ્યાનો હોવા છતાં સાંજે 7.30 કલાક સુધી મતદાન ચાલ્યું હતું. મતદાન વધારે અને બુથ ઓછા હોવાના કારણે દિવસભર મતદારો લાઈનમાં ઉભા રહ્યા હતા. વાંસદા શહેરના તમામ બુથ ઉપર 75 ટકા મતદાન થયું હતું.

સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કમાં લાપરવાહી
હાલ કોવિડનો સમય હોઈ મતદાન વેળા કોવિડ પ્રોટોકોલ મુજબ મતદારોનો ટેમ્પરેચર ગન વડે તપાસ કરાઈ હતી. મતદાન કેન્દ્ર સેનેટાઈઝ કરવા ઉપરાંત બુથ કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા હતા. આમ તો મહત્તમ મતદારો બુથ ઉપર માસ્ક પહેરી ગયા હતા પણ કેટલાક માસ્ક વિના લાપરવાહ પણ જણાયા હતા. બુથો ઉપર લાગેલ મતદારોની કતારમાં મહદઅંશે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાયું હતું.

ગત ચૂંટણીની તુલના સાથે મતદાન

તાલુકો2016નું મતદાન2021નું મતદાન
નવસારી75.59%75.75 %
જલાલપોર73%73.56%
ચીખલી82.80%80.93%
ગણદેવી79.16%72.46%
વાંસદા87.47%85.27%
ખેરગામ82.56%79.53%
સરેરાશ80.96%79.09%
અન્ય સમાચારો પણ છે...