ક્રાઇમ:નવસારીમાં 12 કલાકમાં વિદેશી દારૂ ભરેલા 2 વાહન સાથે 2 ઝડપાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દમણથી સુરત દારૂ લઇ જતાં વાહન પોલીસની ઝપટે, 2 ફરાર

નવસારીના હાઈવે નં. 48 પર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા ગ્રામ્ય પોલીસ વોચ રાખી રહી છે. એક બનાવમાં પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ સહિતના પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન તેમને બાતમી મળી કે વલસાડ તરફથી ફોર વ્હિલર (નં. GJ-15-CA-6454)માં વિદેશી દારૂ ભરીને ચીખલી,નવસારી થઈ સુરત તરફ જનાર છે. જેથી ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વોચ હાથ ધરી હતી. બાતમીવાળી કાર આવતા તેને અટકાવીને તપાસ કરતા વિદેશી દારૂની 690 બાટલી કિંમત રૂ.1.14 લાખ મળી આવી હતી. પોલીસે ચાલક બંટીકુમાર જસવંતસિંહ ઠાકોર (રહે. પારનેરા, વલસાડ)ની અટક કરી હતી. આ બાબતે અહેકો યોગીરાજસિંહ મહાવીરસિંહ દ્વારા ફરિયાદ આપી હતી. આ ઘટનામાં દારૂ ભરાવનાર અને મંગાવનાર બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં ગ્રામ્ય પોલીસનાં અપોકો હિરેન હર્ષદભાઈ સહિત પોલીસ સ્ટાફ બોરીયાચ ટોલનાકા પાસે હતા ત્યારે એક કાર આવતા તેમાં તપાસ કરતા ચાલકની બેઠકની પાછળ અને સીએનજી ગેસના આગળનાં ભાગે ચોરખાનું બનાવી અલગ અલગ બ્રાંડની 75 વિદેશી દારૂની બાટલી કિંમત રૂ. 53 હજાર મળી આવતા ચાલક નવીનચંદ્ર ઠાકોરદાસ ગીનીવાલા (રહે. સલાબતપુરા, સુરત)ની અટક કરી હતી. તેણે આ દારૂ પોતાના આર્થિક ફાયદા માટે ઘરે વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

ખૂંધથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ
ચીખલી પોલીસને બાતમી મળી હતી કે અર્ટિગા કાર (નં. જીજે-05-જેએ-4745) માં દારૂ ભરી પલસાણા તરફ જનાર છે. બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે પોલીસને દૂરથી જોઈ કાર કોલેજ સર્કલથી યુ ટર્ન મારી રાનકુવા તરફ હંકારતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ખૂંધ સાતપીપળા ચીખલી-વાંસદા રોડ ઉપર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ રસ્તાની સાઈડે પલટી મારી ગઈ હતી. પોલીસે કારમાંથી ચાલક તેજસ ઉર્ફે લારા બચુભાઇ પટેલ (રહે.રાનવેરીખુર્દ, મહાદેવ ફળિયા, તા.ચીખલી)ને ઝડપી તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી બોટલ 659 નંગ કિંમત રૂ. 52,600, કાર કિંમત રૂ.3 લાખ તથા એક મોબાઈલ કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 5,53,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર કાર્તિક અને દારૂનો જથ્થો મંગાવનાર રોનકને વોન્ટેડ જાહેર કરી ચીખલી પીઆઇ ડી.કે.પટેલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...