આયોજન:દિવાળીમાં સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટોત્સવ, લાઈટ-સાઉન્ડ શો પણ યોજાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં સવારે 5.30 વાગે મંગળાઆરતી, સવારે 8.30થી 9.30 મહાપૂજા વિધિ સંપન્ન થશે, મહાપૂજા વિધિનો લાભ લઈ ભક્તો-ભાવિકો ધન્યતા અનુભવશે

પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર પામેલ BAPS સ્વામિનારાયણ મંદિર દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ છે. આ વર્ષે અત્રે દીપોત્સવ તથા નૂતન વર્ષ ઉપક્રમે અન્નકૂટોત્સવ સુપરે ઉજવાશે. સાથે સાથે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનો પણ લાભ મળશે. દિવાળી એટલે વિક્રમ સંવત વર્ષનો પૂર્ણાહૂતિ દિન આ દિવસે 4થીને ગુરૂવારે સાંજે 5થી 7 દરમિયાન ચોપડા પૂજનનો કાર્યક્રમ થશે. વર્ષ દરમિયાન હિસાબ-કિતાબ માટે વપરાતા ચોપડા, ડાયરી, આધુનિક ચોપડા એટલે લેપટોપનું ઠાકોરજી સમક્ષ સંતો વૈદિક પૂજન વિધિ કરશે. 5મીને શુક્રવારે નૂતન વર્ષારંભે દરેક પરિવાર નૂતન વસ્ત્રો પરિધાન કરી પ્રથમ પ્રભુના દર્શન કરી નૂતન વર્ષની જીવન યાત્રાનો મંગલ પ્રારંભ કરતાં હોય છે.

અત્રે મંદિરમાં સવારે 5.30 વાગે મંગળાઆરતી, સવારે 8.30થી 9.30 મહાપૂજા વિધિ સંપન્ન થશે. મહાપૂજા વિધિનો લાભ લઈ ભક્તો-ભાવિકો ધન્યતા અનુભવશે ત્યારબાદ 9.30થી 10 દરમિયાન સત્સંગ સભાનો અનેરો લાભ મળશે. જે પ્રત્યેક પરિવાર માટે નૂતન વર્ષમાં સ્નેહ મિલન સમારોહ સમાન હોય છે. જેમાં સંતોના દર્શન-આશીર્વાદનો લાભ મળશે. આજના દિને સનાતન વૈદિક સંસ્કૃતિની પ્રણાલિકા અનુસાર મંદિરોમાં ભગવાન સમક્ષ વિવિધ પકવાનોનો અન્નકૂટ રચી વિશેષ ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. BAPS મંદિરમાં આ ભવ્ય અન્નકૂટોત્સવના દર્શન સવારે 10થી સાંજે 7 સુધી થશે. જેમાં હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.

તદુપરાંત વર્ષારંભથી લાભપાંચમ સુધી આ નવસારીના સંગેમરમરના બેનમૂન મંદિર ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શો રજૂ થશે. જેમાં મંદિર મહિમા, સંસ્કાર, પારિવારિક એકતાનો સંદેશ પ્રાપ્ત થશે. ધ્વનિ-પ્રકાશ તથા જીવંત પ્રસ્તુતિના સંયોજન સાથેનો આ કાર્યક્રમ હ્રદયગંમ બની રહેશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમ 5મીએ રાત્રે 9 વાગે તથા 6થી 9 દરમિયાન દરરોજ રાત્રે બે શો, પ્રથમ શો 7.30 કલાકે બીજા શો 9 કલાકે રજૂ થશે.

નૂતનવર્ષે સૌ પર ભગવાન સ્વામિનારાયણ, સર્વ અવતારો, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટબ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય કૃપાશિષ વરસતા રહે તેવી પ્રાર્થના સાથે નવસારીના સંત-સત્સંગ મંડળ વતી પૂ.આચાર્ય સ્વામી, પૂ.પુરૂષોત્તમચરણ સ્વામી, કોઠારી સંત પૂ.પૂર્ણકામ સ્વામીજીએ સર્વે ભક્તોને મંદિરે દર્શન કરવા ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં ગ્રીડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ટૂકાગાળામાં જ દક્ષિણ ગુજરાતનું એકમોટુ પવિત્ર યાત્રા ધામ બની ગયું છે. કોરોના સંક્રમણ ઘટતા હવે લોકો બહાર નીકળી રહ્યાં છે જેને લઈને દિવાળીના તહેવારોમાં પણ હરિભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...