અનાજની કાળાબજારી:બામણવેલમાં ગ્રામજનોએ સરકારી અનાજનો સગેવગે કરાતો જથ્થો ઝડપ્યો, ટેમ્પો અને 30 કટ્ટા ચોખા સહિત ચાલકની અટકાયત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાની જાણ ચીખલી પુરવઠા વિભાગના અધિકારીઓને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામથી ચીખલી ખાનગી દુકાનમાં લઇ જવાતો ચોખાનો જથ્થો ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. જેમાં આ સમગ્ર ઘટનાની જાણ ચીખલી પુરવઠા વિભાગના અધિકારીઓને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ટેમ્પો સહિત ચોખાના 30 કટ્ટા જપ્ત કર્યા હતા.

સમાજમાં વસતા એવા લોકો કે જેઓ બે ટંક ભોજનની વ્યવસ્થા પણ નથી કરી શકતા, તેમના માટે રાજ્ય સરકારે અંત્યોદય યોજના હેઠળ અનાજ આપવાની શરૂઆત કરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગરીબ લોકો પાસે પહોંચતા અનાજ પહેલા જ વચેટીયાઓ દ્વારા તેને વેચીને અનાજના કાળો કારોબાર થતો હોવાની ઘટનામાં વધારો થયો છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામથી ચીખલી ખાતે ખાનગી દુકાનમાં લઇ જવાતો ચોખાનો જથ્થો ગામ લોકોએ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાની જાણ ચીખલી પુરવઠા વિભાગના અધિકારીઓને થતાં અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ટેમ્પો સહિત ૩૦ કટ્ટા ચોખાના જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક યુવકોની જાગૃતિને કારણે ગેરકાયદે થઇ રહેલું કામ અટક્યું
બામણવેલ ગામે સરકારી અનાજ ની હેરાફેરી બાબતે ગામના અગ્રણીઓને ખબર હતી છતાં કોઈપણ અટકાવવા આવ્યા ન હતા. જોકે ગામના યુવાનોએ પોતાના ગામના અનાજની હેરાફેરી નહીં થાય તે માટે વોચ હાથ ધરી અને અનાજ ચોરોને ઝડપી પાડ્યા હતા.

મામલતદાર-પોલીસને જાણ કરાઇ
ગામના યુવાનોએ મને જાણ કરી કે કંટોલ પાસે એક ફોર વ્હિલમાં સરકારી અનાજનો જથ્થો કોઈ લેવા આવનાર છે તેમ જણાવી ટેમ્પો ચાલકને પકડી રાખ્યો હતો. કંટોલના માલિક વિજયભાઈ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ગ્રામજનોએ મને જાણ કરતા પોલીસ અને મામલતદાર પુરવઠા ગણદેવીને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને મામલતદારે કંટોલમાં આવી અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. આ સરકારી અનાજ ચીખલીના ગોલવાડમાં લઈ જવાનું જણાવ્યું હતું. - વિપુલ પટેલ, સરપંચ, બામણવેલ ગામ

ચીખલીમાં અનાજના કાળા કારોબાર સામે તંત્ર કાર્યવાહી કરે એ જરૂરી
ચીખલીમાં સસ્તા અનાજના જથ્થાના કાળા કારોબાર સામે તંત્ર એ લાલ આંખ કરવી જરૂરી છે. બામણવેલમાં તો ગામલોકોની સજાગતાના કારણે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનો ગોરખધંધો બહાર આવ્યો છે પરંતુ ચીખલીના ગોલવાડ સ્થિત કાવેરી નદીના પુલ પાસે એક ગોડાઉનમાં ઉપરાંત ચીખલી કોલેજ વસુધારા ડેરી રોડ સ્થિત એક સિરામિકની દુકાનની બાજુમાં એક ગોડાઉનમાં વહેલી સવારે અને મોડી રાત્રે મોટાપાયે સરકારી અનાજના જથ્થાની હેરાફેરી થતી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત ઘેજ ગામના છતરિયા ફળિયા વિસ્તારમાં, ખૂંધ સહયોગ સોસાયટીની આગળ એક કિરાણાની દુકાનમાં પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ઇકો કાર, છોટા હાથી ટેમ્પો, મારૂતિ વાન જેવા વાહનોમાં સરકારી અનાજનો જથ્થો લાવી આ સ્થળોએ નવેસરથી પેકિંગ કરી ટ્રકોમાં ભરી મોકલવામાં આવી રહ્યો છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા આંખ આડા કાન કરવાના સ્થાને આવા તત્વો પર લગામ કસવામાં આવે તે જરૂરી છે. બામણવેલ ગામે તો ગ્રામજનોની સજાગતાથી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર કોની રાહ જોઈને બેઠું છે તેના અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...