કોલેરાગ્રસ્ત:અંબાડામાં 39 ગ્રામવાસીને ઝાડા-ઉલટી, નજીકના 4 ગામ કોલેરા ભયગ્રસ્ત

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાડા ઉલટીના સેમ્પલ ટેસ્ટ કરાવતા કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેને લઈને સમગ્ર અંબાડાને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ
  • 2 દિવસ બાદ કેસ બહાર આવ્યા​​​​​​​, 18 જણાને સીએચસીમાં દાખલ કરવાની ફરજ પડી, કલેક્ટર સહિત અિધકારીઓ ઘટના સ્થળે

નવસારી તાલુકાના અંબાડા ગામે 2 દિવસમાં 39 જણાને ઝાડા ઉલટી થયા બાદ ઝાડાના સેમ્પલ ચેક કરતા રિપોર્ટમાં કોલેરા બહાર આવ્યો છે.જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડી સમગ્ર અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.

નવસારી તાલુકાના પૂર્વપટ્ટીમાં આવેલ અંબાડા ગામે તળાવ ફળિયામાં રહેતા 12 જણાને ઝાડા ઉલટી થયા હતા,જેમાંથી 8 જણાને સારવાર અર્થે ગામમાં જ આવેલી સીએચસીમા દાખલ કરવા પડ્યા હતા. ત્યારબાદ મંગળવારે વધુ 27 કેસ ઝાડા ઉલટીના બહાર આવ્યા હતા,જેમાં વધુ 10 જણાને અંબાડા સીએચસીમા દાખલ કરવા પડ્યા હતા. બે દિવસમાં સીએચસીમા દાખલ 18 જણામાંથી એક બાળકને તો નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવો પડ્યો હતો. આ દરમિયાન સોમવારે જે ઝાડા ઉલટીના કેસ બહાર આવ્યા હતા તેમાંથી કોલેરાની ચકાસણી માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડી સમગ્ર અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. આ ઉપરાંત નજીકના 4 ગામ ઉગત, સિગોદ, ટોળી અને વસરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે.નવસારીના પ્રાંત અધિકારીની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પણ નિમણૂક કરી છે. મંગળવારે કલેકટર અમિત યાદવ, પ્રાંત અધિકારી અને કોલેરા નિયંત્રણ અધિકારી નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાની, ઇન્ચાર્જ એપેડેમીક અધિકારી ડો ભાવેશ પટેલ વગેરેએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પણ મોડી સાંજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઝાડા ઉલટીના ભોગ બનેલ મોટેભાગના લોકો હળપતિ સમાજના છે. જેમાં 15 વર્ષથી નીચેની વયના બાળકો પણ અનેક છે. આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લેવા માંડ્યા છે. અંબાડાની નજીકના ચાર ગામોમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

3 જગ્યાએ પાણીની લાઇનમાં લિકેજ હોવાનું ખૂલ્યું
અંબાડા ગામમાં જે વિસ્તારમાં કોલેરાના કેસો બહાર આવ્યા છે ત્યાં પાણી જે આપવામાં આવે છે તે પાઈપલાઈનમાં ત્રણ જગ્યાએ લિકેજ મળી આવ્યા હતા. આ લિકેજમાં દુષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા છે. જોકે લિકેજ મળતા તુરંત રિપેર કરાવવામાં આવ્યા છે. જો કે ગામમાં દૂષિત પાણીને લઈ કોલેરા ફેલાઈ જતા મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરાય છે અને અસરગ્રસ્તોને સારવાર આપી સાજા કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત દર્દીઓના નામ
રંજનબેન હળપતિ, રાજુભાઈ હળપતિ, જીગ્નેશ હળપતિ, જ્યોતિબેન હળપતિ, વિશ્વાબેન હળપતિ, જયંત હળપતિ, જયાબેન હળપતિ, કલ્પેશ હળપતિ, પ્રવિણભાઈ હળપતિ, જશુબેન હળપતિ, કાજલબેન હળપતિ, ધીરૂભાઈ હળપતિ, કલ્પેશ કે. હળપતિ, શંભુ હળપતિ, અજય હળપતિ, ટીનાબેન હળપતિ, અર્જુન હળપતિ, નેહાબેન હળપતિ, નિલેશ હળપતિ, અમૃત હળપતિ, સુરેશ હળપતિ, અરૂણ હળપતિ, નયના હળપતિ, રાજુ હળપતિ, અનિતા હળપતિ.

15 વર્ષથી નાની ઉંમરના બાળ દર્દીઓ
ઝાડા ઉલટીની જાન્વી હળપતિ, આયુષ હળપતિ, શિવાંગ હળપતિ, ખુશી હળપતિ, શિવાની હળપતિ, રોહન હળપતિ, મયંક હળપતિ, ઈલીશા હળપતિ, માનસી હળપતિ, જય હળપતિ, વિધિ હળપતિ, પિયુષ હળપતિ, તન્વી હળપતિ, હર્ષિત હળપતિને પણ અસર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...