રજૂઆત:અમલસાડ પંથકમાં ચીકુ-કેરીની વાડીમાંથી પસાર થતી વીજ લાઇનમાં ફોલ્ટ થતા ખેડૂતોને ભારે હાલાકી

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની લાઇનની જગ્યાએ નવી વીજ લાઇન નાખવા ખેડૂત અગ્રણીઓની રજૂઆત

નવસારી જિલ્લામાં આવેલ અમલસાડ વિસ્તારમાં કેરી-ચીકુની વાડી ઉપરથી પસાર થતા હાઈટેન્શનની લાઈન વર્ષો જૂની હોય તેમાં વારંવાર ફોલ્ટ થતા આ વિસ્તારમાં ખેડૂતોને ઘણી તકલીફ પડતી હોય છે. જેને લીધે આ વિસ્તારના ખેડૂતોએ વીજ કંપનીને નવી વીજ લાઈન નાંખવા અરજી કરી હતી.નવસારી જિલ્લામાં અમલસાડ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, ધારાસભ્ય અને સાંસદને નવી વીજ લાઇન નાંખવા માટે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે ગણદેવી તાલુકાના અમલસાડ વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણો ધરાવીએ છીએ.

આ વીજ લાઇન 61 વર્ષ જૂની છે. વીજતારો ચીકુ તેમજ આંબાની વાડીમાંથી પસાર થતી હોય છે. પવન આવવાની સાથે તરત જ ફ્યુઝ અને તેની ઉપર આવેલી લીંક ઉડી જાય છે. આ બાબતે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા અરજીઓ દફ્તરે કરવામાં આવે છે. અમલસાડ વિભાગમાં 8 વીજ જોડાણ ખેતીવિષયક આવેલા છે. તેઓ વારંવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ માટે નવા 8 વીજ પોલ અને નવા વીજતાર નાંખવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે.

જેથી આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. આ બાબતે ખેડૂત નરેન્દ્ર નાયકે જણાવ્યું કે વીજતાર જુના હોય વાયરો ઝાડની ડાળીમાંથી પસાર થતા હોય વારંવાર લાઈટો ડુલ થઈ જાય છે. વીજ લાઈન બહાર લાવવાની જરૂર છે. જેથી નવા વીજતાર નાંખવાથી સમસ્યાનું નિરાકરણ થઈ શકે. આ બાબતે આ વિસ્તારના ખેડૂતોએ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, સાંસદ અને ધારાસભ્યોને ફરિયાદ કરી ઉકેલ લાવવા જણાવ્યું છે.

નવા વીજતાર નાંખવા માટે ખેડૂતોએ નાણા ભરવા પડશે
આ બાબતે ફરિયાદ આવી છે પણ સરકારની નવી વીજ લાઈન નાંખવાની કોઈ યોજના નથી. તેને માટે જે તે ખેડૂતોએ પૈસા ભરવા પડે ત્યારે જ નવી લાઈન નાંખવામાં આવે. જ્યારે ફરિયાદ થઈ તે અગાઉ સરકારની સ્કિમ હતી પરંતુ તે વખતે મેઇન્ટેનન્સ કરવા દીધું ન હતું. હવે નવા વીજતાર નાંખવા ખેડૂતોએ નાણાં ખર્ચવા પડશે. > યોગેન્દ્ર મિસ્ત્રી, નાયબ કાર્યપાલક ઈજનેર, DGVCL અમલસાડ વિભાગ

અન્ય સમાચારો પણ છે...